ગાંધીનગર: ગુજરાતમાં નવલી નવરાત્રી 2023 પૂર્ણ થઈ એના ગણતરીના કલાકો જ થયા છે. ત્યારે નવરાત્રિના નવ દિવસમાં અનેક ઇમરજન્સીના કેસ સામે આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કોઈપણ ઉંમરની વ્યક્તિ હાલ હાર્ટ એટેકનો શિકાર બની રહી છે. નવરાત્રીમાં પણ રાજ્ય સરકારે હાર્ટ એટેકને ધ્યાનમાં લઈને ગરબા આયોજન કરવા માટે જણાવ્યું હતું. તેમ છતાં પણ નવરાત્રીના નવ દિવસમાં કુલ 830 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાયા છે.
રાજ્ય સરકારે બનાવી કમિટી: હાર્ટ એટેક બાબતે રાજ્યના પ્રધાન કનુ દેસાઈએ કેબિનેટમાં થયેલ ચર્ચા બાદ નિવેદન આપ્યું હતું કે હાર્ટ એટેકના કિસ્સા સમગ્ર ગુજરાત નહિ પરંતુ આખા દેશમાં બનાવ બનતા હોય છે. પણ વેક્સિનના લીધે આવું થતું નથી. આપણે જીવન શૈલી જોવી જોઈએ. સરકારનું રિસર્ચ ચાલી રહ્યું છે. આવા હાર્ટ એટેકના બનાવોમાં રિસર્ચમાં મોટો સમય લાગશે, પરંતુ છ મહિનામાં રિપોર્ટ તૈયાર ન થઈ શકે. ઉપરાંત ICMR દ્વારા ઓટો બાયોપ્સી કરાવાનું કામ કાર્યરત છે. ઓટો બાયોપ્સીમાં ખબર પડશે કે હાર્ટ એટેક કેમ આવી રહ્યા છે. જ્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ કમિટી બનાવવામાં આવી છે જે રિપોર્ટ બાદ કયા દિશામાં પગલાં લેવામાં આવશે તેનો એક્શન પ્લાન પણ તૈયાર કરશે.
અમદાવાદમાં સૌથી વધુ 228 કેસ: અમદાવાદના 108 ઇમરજન્સીના મુખ્ય કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતના 33 જિલ્લામાં નવરાત્રી દરમિયાન ફક્ત હાર્ટ એટેકને લઈને 830 જેટલા કોલ 108ને પ્રાપ્ત થયા હતા. અમદાવાદ શહેરમાં નવ દિવસની અંદર એટલે કે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી કુલ 228 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં શ્વાસ લેવામાં તકલીફના કોઈ એક હજારથી વધુ કેસ 108માં સત્તાવાર રીતે નોંધાયા છે. આમ અમદાવાદમાં નવ દિવસમાં સરેરાશ પ્રતિ દિવસ 22 જેટલા કેસ હાર્ટ એટેકના નોંધાયા હતા, જ્યારે શ્વાસની બીમારીના સરેરાશ 32 જેટલા કેસ નોંધાયા હતા.
આનંદીબેન પટેલની ટકોર બાદ જાગ્યું તંત્ર: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 22 ઓક્ટોબરના રોજ પાટણના કાર્યક્રમમાં ગુજરાતમાં યુવાનોમાં આવી રહેલ હાર્ટ એટેકના કિસ્સા અંગે ટકોર કરી હતી અને રાજ્યના આરોગ્ય પ્રધાનને રિસર્ચ અને સર્વે કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક ધોરણે 23 ઓક્ટોબરના રોજ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે હાર્ટ ઇન્સટીટ્યુટની સામાન્ય બેઠક મળી હતી. જેમાં ઋષિકેશ પટેલે યુ.એન. મહેતાના સિનિયર ડોકટરોને હાર્ટ એટેક અને તેનાથી મોત થવાના ચોક્કસ કારણો શોધવા માટે સૂચનો કર્યા હતા.
'હાલમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેનું કારણ હાલની જીવન શૈલી અને કોલેસ્ટ્રોલનું વધી પડતું પ્રમાણ છે, યુવાનો હાઇપરટેન્શનમાં જીવી રહ્યા છે અને નાની વયે બ્લડ પ્રેસરના દર્દીઓ થઈ રહ્યા છે. આજની જીવન શૈલી, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ વધુ હોવાને કારણે હાર્ટની નળીઓ બ્લોક થઈ જાય છે. જેથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.' - બોની ગજ્જર, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજી ડોકટર
વર્ષ 2022 અને 2023માં નોંધાયેલા કેસ: 108 તરફથી આપવામાં આવેલ માહિતી પ્રમાણે વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં કાર્ડિયાક ઇમરજન્સીના કુલ 49,321 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં 9 મહિના એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં જ 47,202 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વર્ષ 2022માં 12 મહિનામાં 14,704 જેટલા ઇમરજન્સીના કેસ નોંધાયા હતા તેની સામે 30 સપ્ટેમ્બર 2023 સુધી જ કુલ 14,236 જેટલા કેસ કેસો નોંધાયા છે.
રસીની અસરની તપાસ શરૂ: 19 ઓગસ્ટ 2023ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આરોગ્ય બાબતની G20 બેઠકમાં રસીની આડઅસરથી હાર્ટ એટેકના કિસ્સા વધ્યા હોવાનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે જે રીતે દેશમાં હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા છે, તેને પગલે ICMR દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે કોઈ પણ વેક્સિન બજારમાં આવે ત્યારે તમામ ફોર્માલિટી પુરી કરવી પડે છે ત્યારબાદ જ વેક્સિન આપવામાં આવે છે. આમ કોરોના કાળમાં આપવામાં આવેલ રસીઓની આડ અસર બાબતે ICMR દ્વારા રિસર્ચ શરૂ કરાયું છે.