દ્વારકા: વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા દ્વારકામાં ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક જેવા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. સલાયા માં તમામ રોડ પાણી પાણી થયા છે. સલાયા અને ખંભાળિયા ની વચ્ચે આવેલા સોડસલા ગામમાં ખેતરો પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા ગામડાઓના તળાવ છલકાતા તેમના પાણી રોડ પર આવી ચૂક્યા છે. તેથી સ્થાનિકોએ ભારે પરેશાની ભોગવી પડે છે.
ઘૂંટણ સમા પાણી: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાય છે. બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સૌજીવન અસ્તવ્યસ્ત થયું છે.કલ્યાણપુર ની પણ આજ સ્થિતિ છે ભારે વરસાદના કારણે કલ્યાણપુર ની બજારમાં વરસાદના પાણી નદી સમાન વહી રહ્યા હતા.આ ભારે વરસાદના કારણે પાણીના વહેણમાં ચાર બળદ ફસાઈ ગયા હતા જેમનું પોલીસ અને ગ્રામજનોએ રેસક્યું કર્યું હતું.હાલ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. દ્વારકા તાલુકામાં ભારે વરસાદથી દ્વારકામાં બે કલાકમાં જ 7.75 એમ કુલ 9 જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે સાથે જ ખંભાળિયા તાલુકામાં 5.25 ઇંચ, ભાણવડ તાલુકામાં 1.25 ઇંચ અને કલ્યાણપુર તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
કારને બચાવવામાં આવ્યા: હાલ સાર્વત્રિક વરસાદને કારણે દ્વારકામાં અંધારપટ છવાયો હતો. શહેરમાં આવેલ ટીવી સ્ટેશન, ત્રણ બત્તી ચોક, દ્વારકાધીશ મંદિર પાસેના વિસ્તારોમાં વીજળી ગુલ થતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.દ્વારકામાં આવેલ નાના માંધા ગામે નદીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. નદીમાં ઘોડાપૂર આવતા આ કાર નદીમાં તળાઈ ગઈ હતી સ્થાનિક લોકોની મદદ થી અને jcb ની મદદથી આ કારચાલકને અને તેની કારને બચાવવામાં આવ્યા હતા.
વરસાદી પાણીમાં ગરકાવ: બે દિવસથી સતત ચાલી રહેલા વરસાદને કારણે દ્વારકાથી ચરકલા રોડ અને લીંબડી હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યાઓમાં ખેડૂતો રહેતા હોય જેમને આવવા જવામાં અને ઘરગથ્થુ વસ્તુ લેવામાં ભારે પરેશાની ભોગવી પડી હતી. દ્વારકા તરફ જવા માટેનો માર્ગ એ યાત્રિકો માટે ટૂંકો અને સહેલો હોવાથી યાત્રિકો એ રસ્તા પર દ્વારકા જવાનું વધુ પસંદ કરે છે પરંતુ આ રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો.ખંભાળિયા પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે સલાયા બંદર આખું પાણી પાણી થઈ ચૂક્યું હતું મુખ્ય બજારમાં કેળ સમા પાણી ભરાઈ ચૂક્યા હતા. સલાયામાં આવેલ જૂની નગરપાલિકા માં પાણી ઘુસ્યા હતા જેમાં નગરપાલિકાના વાહનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા. પશુ દવાખાનું પણ વેચાણ વાળા વિસ્તારમાં હોવાથી તેમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું હતું.