વાયુ વાવાઝોડામાં ભયંકર દરિયાઈ તોફાનના કારણે વેરાવળ દરિયામાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્રનું એક યંત્ર જે દરિયાઈ મોજા અને પવનની આગાહી સેટેલાઇટ ઇમેજ દ્વારા કરે છે. તે ગુમ થયું હતું. આ યંત્ર તારીખ 11જૂનના રાત્રિના દરિયાઈ તોફાનમાં વેરાવળથી આશરે ૪૨૫ કિલોમીટર દૂર પાકિસ્તાન જળસીમા નજીક પહોંચી ગયું હતું. જે અંગે યંત્રમાં ગોઠવવામાં આવેલ GPS સિસ્ટમથી જાણ થઈ હતી.
ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર દ્વારા ગાંધીનગર કોસ્ટ ગાર્ડને યંત્રની જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર કોસ્ટ ગાર્ડ તેમની ઓખા સ્ટેશનની ઓફિસે જાણ કરતા ઓખા કોસ્ટગાર્ડનું અરીજય જહાજ જેના કમાન્ડર અભિષેકની ત્રિપાઠીની આગેવાની હેઠળ પાકિસ્તાનની જળસીમા નજીક જઈ આ યંત્રને શોધી કાઢવામાં આવ્યું હતું.
દરિયાઈ મોજા સહિત દરિયાઈ હવામાનની આગાહી માટે સેટેલાઇટ મારફત કામ કરતા આ યંત્રની કિંમત અંદાજિત 50 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વાયુ વાવાઝોડા દરમિયાન વેરાવળના સમુદ્ર મોજામા છૂટું પડીને આ યંત્ર પાકિસ્તાન જળસીમામાં પહોંચી ગયું હતું. જે વેરાવળથી આશરે ૪૨૫ કિલોમીટર દૂર હતું. ઓખા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આ યંત્રને મહામહેનતે શોધી કાઢી અને વેરાવળ સ્થિત ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના વિભાગને પરત કરવામાં આવ્યું હતું.