- અંદાજે 700 કરોડના ખર્ચે બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનશે
- ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવવાનું કામ શરૂ
- એસ પી સિંગલા નામની કંપનીને સોંપવામાં આવ્યું બ્રિજનુ કામ
દેવભૂમી દ્વારકાઃ પ્રખ્યાત એવા યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું પૌરાણિક મંદિર આવેલુ છે. ગુજરાત અને ભારત ભરમાંથી વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે. એવી માન્યતા છે કે, દ્વારકાધીશના દર્શન કરવા આવો અને બેટ દ્વારકાના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી રહે છે. આથી દ્વારકા આવતા યાત્રાળુઓ બેટ દ્વારકા અવશ્ય જાય છે કે જે અરબી સમુદ્રમાં ટાપુના સ્વરૂપમાં આવેલું છે. જ્યાં જવા માટે સાડા 4 કિલોમીટર લાકડાની બોટ વડે દરિયાઈ સફર ખેડવી પડે છે.
- સિગ્નેચર બ્રિજ બનાવવાનું કામ શરૂ
બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશની સાથે-સાથે શીખ અને મુસ્લિમ તીર્થસ્થાનો પણ આવેલા છે બેટ-દ્વારકા દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે મોદી સરકાર દ્વારા 2018 થી ઓખા બેટ દ્વારકા વચ્ચે 4.7 કિમી લાંબો અને 30 મીટર પહોળો અંદાજે 700 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
હંગ્રી, તાઇવાન અને ભારતના એન્જીનીયરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિઝાઇન અને ભારતની એસ પી સિંગલા નામની કંપનીને આ અદભુત સિગ્નેચર બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સિગ્નેચર બ્રિજ બનાવવા માટે લગભગ 600 જેટલા મજૂરો અને 150 ઇજનેરનો સ્ટાફ 24 કલાકની મહેનત બાદ લગભગ એપ્રિલ 2022 સુધીમાં આ પૂલને તૈયાર કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
- સિગ્નેચર બ્રિજ પર સોલાર પેનલ
સિગ્નેચર બ્રિજ ફોર ટ્રેકની સાથે સાથે બંને તરફ દોઢ - દોઢ મીટર ચાલીને જતા યાત્રાળુઓ માટે પણ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તે ઉપરાંત સિગ્નેચર બ્રિજ પર સોલાર પેનલ દ્વારા એક મેગાવોટ વીજ ઉત્પાદન થઈ શકે તેવી પણ સુવિધા ઉભી કરવામાં આવશે.
- દ્વારકા એક ટુરીઝમ સ્થળ બનશે
આ બ્રિજ બનાવવા પાછળ અંદાજે 15000 ટન સ્ટીલ, 19000 ટી એમ ટી અને લગભગ 43 હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. સિગ્નેચર બ્રિજ ના બનવાથી યાત્રાધામ દ્વારકાના લોકોની સુવિધામાં વધારો થશે તેમ જ સાથે-સાથે દુનિયાભરના યાત્રાળુઓ બેટ દ્વારકામાં આવેલા સુંદર દરિયા કિનારાની યાત્રાનો લાભ લઇ બેટ દ્વારકાને એક ટુરીઝમ સ્થળ તરીકે પણ વિકાસ કરવામાં સહાયરૂપ થશે