દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં રવિવારે બપોર સુધી મેઘ મહેર કાચા સોના સમાન બની રહી હતી, પરંતુ સાંજ પડતા જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. ખંભાળીયા અને તેની આસપાસના સલાયા સહિતના ગામડાઓમાં સાંજે 12થી 15 ઇંચ વરસાદ પડી જતા સમગ્ર વિસ્તાર બેટમાં તબદીલ થયો હતો. આ જ સિલસિલો મોડી રાત્રે પણ અવિરત રહ્યો હતો. રાત્રે ખંભાળીયામાં તો મેઘરાજાએ ખમૈયા કરી દેતા શહેરીજનોની સાથે પ્રસાસનને નિરાંત થઇ હતી. મેઘરાજાએ કલ્યાણપુર અને દ્વારકામાં પણ પોતાનો પ્રકોપ વેર્યો હતો.
ક્યાં કેટલો વરસાદ
- દ્વારકામાં 10થી 4 કલાક સુધીમાં 9.5 ઇંચ
- કલ્યાણપુરમાં 10થી 6 કલાક સુધીમાં 8 ઇંચ
- ખંભાળીયામાં 19 ઇંચ
- ભાણવડમાં 3.5 ઇંચ
દ્વારકામાં મોડી રાત્રે અતિવૃષ્ટિ થવા પામી હતી. ખંભાળીયા જેવું જ રૌદ્ર સ્વરૂપ દ્વારકામાં પણ જોવા મળ્યું હતું. દ્વારકામાં મોડી રાત્રે 10થી 4 કલાક દરમિયાન 9.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે કલ્યાણપુરમાં રાત્રે 10 કલાકથી 6 કલાક સુધીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને બન્ને તાલુકાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. બન્ને તાલુકાનાં તમામ નદીનાળા બે કાઠે થયા હતા. જ્યારે દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
બીજી તરફ ભાણવડમાં પણ રાત્રે મેઘારાજાની સટાસટી જોવા મળી હતી. ભાણવડમાં પણ રાત્રે 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આમ સમગ્ર દ્વારકામાં અતિવૃષ્ટિ થતા ઉગીને ઉભા થયેલા ખરીફ પાક પૈકી મગફળી અને કપાસ ધોવાઈ ગયો હોવાની પણ અનેક ગામડાઓમાંથી ફરિયાદો મળી છે. હવે મેઘરાજા ખમૈયા કરે એવી સમગ્ર જિલ્લાવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે.