દ્વારકાઃ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ-ગાંધવી દરિયાઈ વિસ્તારના બંદર પર ગેરકાયદેસર દબાણ પર તંત્રએ બૂલડોઝર ફેરવી નાખ્યું હતું. હર્ષદ ખાતે આજે બંદર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ હર્ષદ ખાતે કુલ 60 કોમર્શિયલ, 150 જેટલા રેસિડન્ટ અને 7 જેટલા અન્ય બાંધકામ અંગે નોટિસ ઈશ્યુ કરી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ અહીં ગેરકાયદેસર દબાણોને તોડવાની કામગીરી તંત્રએ શરૂ કરી હતી.
તંત્રએ કરોડોની જમીન ખાલી કરાવીઃ મળતી માહિતી અનુસાર, તંત્રએ હર્ષદના બંદર વિસ્તારમાં 60થી વધુ રહેણાંક તેમ જ 10 જેટલા કોમર્શિયલ અને 2 અન્ય બાંધકામ ઉપર બૂલડોઝર ફેરવી નાખ્યું હતું. આ સાથે જ તંત્રએ 3 લાખ ફૂટથી વધુ અને કરોડોની કિંમતી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કર્યું હતું. સમુદ્ર તટ્ટ પરની ગતિવિધિઓ અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સમુદ્ર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાઈ રહ્યું છે. હાલ જેણે પણ હર્ષદમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તેમની સામે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. તેમાં જિલ્લા તંત્ર અને પોલીસની ટીમ સાથે મળીને આ કાર્યવાહી કરી રહી છે.
તંત્રએ આપી હતી નોટિસઃ જિલ્લા તંત્રએ ડિમોલિશન કરતા પહેલા નોટિસ પણ આપી હતી, પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થવાથી ડિમોલિશન કરવું પડ્યું હતું. જોકે, આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અહીં 2 ડીવાયએસપી, સ્થાનિક પોલીસ, એલસીબી અને 800 જેટલા પોલીસકર્મીઓ ફરજ પર તહેનાત હતા. જો જરૂર પડત તો રાજ્ય સ્તરની ટીમ સાથે પણ આવવા વાત કરી હતી. આ ડિમોલિશન પાછળનું કારણ જણાવતાં એસપી નીતીશ પાંડેએ જણાવ્યું હતું કે, તેમાં જે જિલ્લા તંત્રના નીતિનિયમ મુજબ રહેશે અને આંતરીક સુરક્ષાનો પણ મામલો છે જેના કારણે આ ડિમોલિશન હાથ ધરાયું હતું.
હજી 4-5 દિવસ ચાલશે કામગીરીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જિલ્લા તંત્ર તથા પોલીસની ટૂકડી બંને સાથે મળીને હર્ષદ ખાતે કામ કરશે. અહીં 800થી વધુ પોલીસ કાફલા સાથે એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું, જે હજી પણ 4 થી 5 દિવસ ચાલુ રહેશે.