દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાની સરકારી અને ખાનગી શાળા કોલેજમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના પગલે રજા જાહેર કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન જિલ્લાના ત્રણ તાલુકામાં 6 થી 9 ઈંચ વરસાદ પડતા ભાણવડનો વર્તુ-2 ડેમ ઓવરફ્લો થયો છે. વર્તુ-2 ડેમ પોરબંદરના 12 અને દ્વારકા જિલ્લાના 8 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધતા 13 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
જિલ્લાના ઈશ્વરીયા, રાવલ, ઝારેરા, પરવાળા સહિતના ગામોને નદીના પટ પર અવર જવર ન કરવાની સૂચના અપાઈ છે. આ સાથે જ રાવલમા NDRFની ટીમે 50 લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે. ભાણવડના 27 ગામોને પીવાનું પાણી પુરુ પાડતો ડેમ ઓવરફ્લો થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.