ગુજરાત અને ભારતમાં હાલમાં ચાલી રહેલા નાગરિકતા સંશોધન કાયદા અંગે વાદ-વિવાદ અને આંદોલન સામે ભાજપ સરકારે કાયદાના સમર્થનમાં અને કાયદા વિશે સાચી હકીકત લોકોને સમજાવવા માટે જન જાગૃતિ રેલીનું આયોજન કર્યું અને ખાસ કરીને મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સમાજને સમજાવવા માટેના જનસંપર્ક અને પત્રિકા વિતરણનું આયોજન કર્યું છે.
દ્વારકા શહેરના હુસેની ચોકમાં રવિવારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેમ જ દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુ માણેક દ્વારા હિન્દુ અને મુસ્લિમ તમામ આગેવાનોને સાથે રાખીને નાગરિકતા સંશોધન કાયદાની સાચી હકીકત સમજાવી અને આ કાયદો ભારતના મુસ્લિમો માટે કોઈપણ જાતના ખતરારૂપ નથી તેવું તળપદી ભાષામાં સમજાવ્યું હતું. સ્થાનિક આગેવાનોએ પણ આ કાયદો મુસ્લિમ વિરોધી નથી તેવું માન્યું હતું.