દેવભૂમિ દ્વારકા : પવિત્ર દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે અહીં અનેક ધાર્મિક સ્થળો તેમજ કુદરતી દરિયા કિનારો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે આગામી સમયમાં યાત્રિકો હવે સબમરીન મારફતે દ્વારકાના દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીના દર્શન પણ સબમરીન મારફતે કરી શકશે જે અંગેની વિગતો સામે આવતા યાત્રિકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સબમરીન દ્વારા જવાશે : દ્વારકાના દરિયામાં હજારો વર્ષ પૂર્વે મૂળ દ્વારકા ડૂબેલી હોય જેના અવશેષો પણ સમયાંતરે જોવા મળતા આ દરિયામાં ડૂબેલી દ્વારકાને જોવા માટે દુનિયાભરમાં ભારે ઉત્સુકતા હતી. ત્યારે આ ઉત્સુકતાનો અંત હવે ટૂંક સમયમાં આવશે તેવી જાહેરાત થઈ છે. આગામી સમયમાં દ્વારકાના દરિયામાં ડૂબેલી અતિ પૌરાણિક દ્વારકા નગરીને સબમરીન મારફતે યાત્રિકો નિહાળી શકશે. જે માટે મઝગાવ ડોક કંપની સાથે ગુજરાત સરકાર દ્વારા સમજૂતી કરવામાં આવી છે જેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં થશે.
24 પ્રવાસીઓ એકસાથે જઇ શકશે : મળતી માહિતી અનુસાર આ સબમરીનમાં એક વખતમાં 24 જેટલા યાત્રિક અને છ ક્રુ મેમ્બર દરિયામાં જઈ શકશે. ત્યારે દ્વારકાના દરિયામાં સબમરીન મારફતે યાત્રિકો દરિયાઈ જીવ સૃષ્ટિની સાથે અતિ પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો પણ નિહાળી શકશે. આમ હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી દ્વારકા નગરીના દર્શન હવે યાત્રિકો માટે સરળ બનવા જઈ રહ્યા છે.
તૈયારીઓ પૂર્ણતાના આરે છે : ગુજરાત સરકાર દ્વારા મૂળ દ્વારકાના દર્શન માટે અરબી સમુદ્રમાં સબમરીન ચલાવવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ભારત સરકારની કંપની સાથે ગુજરાત સરકારે તાજેતરમાં જ એમઓયુ કરવાની તૈયારીઓ દર્શાવી છે. ત્યારે યાત્રાધામ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે વધુ એક નવું સ્થળ મળશે. સબમરીન પ્રોજેક્ટ અંતર્ગત યાત્રિકો દ્વારકાના સમુદ્રમાં પ્રવાસ કરશે. આ સબમરીનની ક્ષમતા 24 પ્રવાસીઓ આરામથી બેસી શકે તે પ્રકારે હશ.
સબમરીનનું વજન 35 ટન : યાત્રિકો ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો પણ આ સબમરીનમાં રહેશે. જેમાં બે પાયલેટ બે ડ્રાઇવર એક ગાઈડ અને એક ટેક્નિશિયન સાથે રહેશે. જ્યારે સબમરીનનું અંદાજિત વજન 35 ટન જેટલું હશે જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી આપશે. આ સબમરીન દરિયામાં 300 ફૂટ ઊંડે જઈ શકે તેવી માહિતી મળી રહી છે ત્યારે યાત્રિકો દરિયાના અંદરના રહેલા અલભ્ય જીવોને જોઈ શકશે.
દ્વારકામાં સબમરીનની સુવિધા : યાત્રાધામ દ્વારકાના વિકાસના દ્વાર પણ ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. સબમરીનના આવવાથી યાત્રિકો વધુ એક સ્થળની મુલાકાત લઈ શકશે. ત્યારે સબમરીનના પ્રવાસનો આનંદ માણવા માટે દ્વારકા આવતા યાત્રિકો હાલ અધીરા બન્યા છે.