- કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ થાળી અને તાળીઓ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ
- કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ કિસાન સહાય યોજનાની અમલ કરવાની માગ
- તાલુકા મામલતદાર કચેરી સામે જમીન પર બેસી આવેદનપત્ર આપ્યું
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સમયસર મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ન મળતા ખેડૂતોએ મંગળવારે કલ્યાણપુર મામલતદાર કચેરીએ થાળી અને તાળીઓ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
કલ્યાણપુર મામલતદાર કચેરીએ થાળી અને તાળીઓ વગાડીને મોદી સરકારને જગાડવાનો નવતર પ્રયોગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ન મળતા જમીન પર બેસીને થાળી અને તાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં આ સિઝનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ખેડૂતોને સમયસર મુખ્યમંત્રી સહાય યોજનાનો લાભ ન મળતા ખેડૂતો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કિસાન સંઘના નેજા હેઠળ કલ્યાણપુર મામલતદાર કચેરીએ થાળી અને તાળીઓ વગાડીને મોદી સરકારને જગાડવાનો નવતર પ્રયોગ કર્યો હતો.
સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો
ટૂંક સમયમાં સરકાર ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો લાભ નહીં આપે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે અથવા કોર્ટના દરવાજા ખટખટાવી ન્યાયની માગણી કરશે. આ વર્ષના વરસાદમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે.
કલ્યાણપુર તાલુકાનો સરકારે સમાવેશ ન કર્યો હોવાની ફરિયાદ
તેમને સરકારી ચોપડે પણ નોંધવામાં આવ્યું છે, પરંતુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં માવઠાના બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો તેમ છતાં પણ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં કલ્યાણપુર તાલુકાનો સરકારે સમાવેશ ન કર્યો હોવાની ફરિયાદ સાથે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ જિલ્લા કિસાન સંઘના નેજા હેઠળ પોતાનો હક માંગવા માટે કલ્યાણપુર તાલુકાની મામલતદાર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધીને જમીન પર બેસી આવેદનપત્ર આપ્યું હતું.
ઉગ્ર આંદોલન અને ઉપવાસ પર ઉતરવાની ચીમકી
ખેડૂતોના જણાવ્યા અનુસાર કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ન મળવાથી અંદાજે રૂપિયા 20 હજારથી 80 હજાર સુધીની નુકસાની થઇ છે. જો આ સહાય તાત્કાલિકધોરણે નહીં ચૂકવવામાં આવે તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ પર ઉતરશે.
રેઇન ગેજ મુજબ સહાય ચૂકવવામાં સરકાર કરી રહી છે ઠાગાઠૈયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અને રેઇન ગેજ મુજબ સહાય ચૂકવવામાં સરકારે ઠાગાઠૈયા કરતા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો દેવભૂમિ દ્વારકા જિલ્લા કિસાન સંઘ સાથે મળીને કલ્યાણપુર મામલતદારને લેખિતમાં આવેદન આપી આગામી સમયમાં સહાય ચૂકવવામાં જો મોડું થશે તો ગાંધીજીના માર્ગે અથવા ન્યાયતંત્રના દરવાજા ખટખટાવ્યામાં આવશે, તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ પાલભાઇ આંબલિયાએ જણાવ્યું હતું.