દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વના હાલ બેહાલ છે. પૃથ્વી પરના મોટાભાગના દેશોના લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, ત્યારે ભારત દેશના ખૂબ જ જૂના મિત્ર દેશ એટલે કે, રશિયાનો એક પરિવાર દ્વારકામાં ફસાયો છે, પરંતુ હાલમાં રશિયામાં કોરોના વાઈરસના કેસો વધુ હોય અને ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં એક પણ બનાવ બન્યો ન હોવાથી આ રશિયન પરિવારે દ્વારકામાં જ રહેવાનું નક્કી કર્યું. આ રશિયન પરિવારમાં આવેલા મહિલાને 6 માસનો ગર્ભ હોવાથી હાલમાં દ્વારકા રહેવું જ સલામત લાગતા તેઓ દ્વારકા ખાતે રોકાયા છે.
લોકડાઉનમાં વિદેશી હવાઈ યાત્રા રદ કરાતા એક રશિયન પરિવાર દ્વારકામાં ફસાયુ ચાઇના અને ભારત દેશના સરહદ ઉપર આવેલો રશિયા દેશ વર્ષોથી ભારત સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. દર વર્ષે ભારતના અને રશિયાના રહેવાસીઓ બંને દેશમાં હરવા-ફરવા માટે આવે છે .ખાસ કરીને રશિયાના યાત્રાળુઓ ભારતમાં 6 માસથી લઈને એક વર્ષ સુધી પ્રવાસ કરે છે. આ રશિયન યાત્રિકો પૌરાણિક તીર્થ સ્થાનો ઉપર વધુ જોવા મળે છે. રશિયાનો આવો જ એક પરિવાર આજથી 6 માસ પૂર્વે ભારત આવેલો હતો અને ભારતના ગુજરાત રાજ્યના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકા ખાતે રોકાયું હતું. આ રશિયન પરિવારના ત્રણ લોકો દ્વારકા નગરીને ખૂબ જ પસંદ કરતા અહીં વધુ સમય રોકાવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પુરુષનું નામ છે વિટાલી ઝયુઝીન અને મહિલાનું નામ છે ગેલિના ઝયુઝીન જ્યારે એક પુત્ર છે તેનું નામ છે સ્વિટોશલવ ઝયુઝીન છે.આ રસીયન પરિવાર જ્યારે દ્વારકા આવ્યો ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસને કારણે ભારત સાથે અનેક દેશોએ પોતાની વિદેશ હવા યાત્રાઓ ઉપર રોક લગાવી હતી, આથી આ રશિયન પરિવાર દ્વારકા જ ફસાઇ ગયો હતો. 27 માર્ચે દિલ્હી સુધીની ફ્લાઈટ અને પહેલી એપ્રિલે દિલ્હીથી રસિયા જવાની તેમની ફ્લાઇટની ટિકિટ હતી પરંતુ સમગ્ર ભારતમાં લોકડાઉન થતાં વિદેશની તમામ હવાઈ મુસાફરી રદ કરવામાં આવતા આ પરિવાર દ્વારકા જ ફસાઈ ગયો. આ પરિવારે જ્યારે નેટ ઉપર તપાસ કરી તો રશિયામાં પણ કોરોના વાઈરસને કારણે અનેક કેસો બહાર આવ્યા છે અને ખાસ કરીને રશિયાના મોસ્કોમાં રહેતો આ પરિવાર રશિયા પરત જવાના બદલે દ્વારકા જ રહેવાનું નક્કી કર્યું, કારણે કે, ગુજરાતના યાત્રાધામ દ્વારકામાં એક પણ કોરોના કેસ ન થયો હોવાથી દ્વારકામાં જ રહેવું સલામત લાગતા તેઓ દ્વારકા પોતાના એક ગુજરાતી મિત્ર ધવલ જયકાંત વાયડાના ઘરે ઉતર્યો છે. હાલમાં આ રશિયન પરિવારને જયકાતએ પોતાના મકાનનો ઉપરનો હિસ્સો નિશુલ્ક રહેવા માટે પણ આપ્યો છે .અન્ય તમામ જરૂરિયાતની ચીજ-વસ્તુઓની પણ મદદ કરી છે. રશિયન પરિવારના મિત્ર ધવલભાઇ હાલ ગુજરાતની બહાર હોવાથી ધવલભાઇના પરિવારજનો પણ આ રશિયન પરિવારને પોતાના પરિવારની જેમ જ સાચવે છે .જયકાંતભાઈ વાયડાના જણાવ્યા અનુસાર આ રશિયન પરિવાર દર બે વર્ષે દ્વારકા આવે છે. તેઓને ભગવાન દ્વારકાધીશ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે અને આ રસીયન પરિવારનો યુવાન રોજ વહેલી સવારે ઊઠીને મહા-મૃત્યુંજય જાપ અને ગાયત્રી મંત્રના જાપ પણ નિયમિત કરતાં જોવા મળે છે. વિદેશી પ્રવાસી દ્વારકામાં ફસાયા છે તેની જાણ દ્વારકાના મામલતદારને હોવાથી તેઓ પણ આ પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના રહેવાની, જમવાની અથવા તેમને પરત પોતાના દેશમાં જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી, પરંતુ આ રશિયન પરિવારે જણાવ્યું કે, હાલમાં વિદેશ પ્રવાસ કરવો યોગ્ય ન હોવાથી અને દ્વારકા ખાતે એક પણ કેસ કોરોના નથી તેથી અહીં જ રહેવું સલાહભર્યું છે.
ખાસ કરીને આ રશિયન પરિવારના મહિલા હાલ માતા બનવાના હોય તેથી દ્વારકાના મામલતદાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેમને બનતી તમામ મદદ કરવાની અપીલ કરી હતી. આથી આ રશિયન પરિવારે દ્વારકા સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ અમો ખુબજ અહીં ખુશ છીએ અને ભવિષ્યમાં કોઇ પણ જાતની મદદની જરૂર પડશે તો અમો જાણ કરશુ.