દેવભૂમિ દ્વારકા: તાલુકાની વરવાળા ગ્રામ પંચાયત ખૂબ જ મહત્વની પંચાયત છે. કારણ કે દ્વારકાના ધારાસભ્યની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની અને સાંસદની ચૂંટણીમાં વરવાળા ગામનું અતિ મહત્વનું અને નિર્ણાયક મતદાન ભૂતકાળમાં જોવા મળ્યું છે. આથી વરવાળા ગ્રામ પંચાયત તાલુકામાં મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ ભ્રષ્ટાચારની ફરિયાદોને કારણે વારંવાર વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા વરવાળા ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈએ ઉપસરપંચ અને તલાટી ઉપર લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી. વરવાળા ગ્રામ પંચાયતના કામોમાં સરપંચને વિશ્વાસમાં લીધા વગર ઉપ સરપંચ અને તલાટીએ ચેક દ્વારા પૈસા ઉપાડી લીધાની ફરિયાદ થઇ હતી. જેના પગલે જિલ્લા પંચાયતના અધિકારીએ ઉપ સરપંચને સસ્પેન્ડ કર્યા હતાં. આ સાથે બેદરકારીના આરોપ હેઠળ સરપંચને પણ સસ્પેન્ડ કર્યા હતાં. જેના વિરોધમાં સરપંચ દ્વારા ડેવલોપમેન્ટ કમિશનર ગાંધીનગર પાસે અપીલ કરતા સરપંચનો વિજય થયો હતો અને સરપંચને પોતાનું પદ પરત મળ્યુ હતું. જેના પગલે આજે ગુરૂવારે માત્ર ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી.
વરવાળા ગ્રામ પંચાયતની આજની ઉપ સરપંચની ચૂંટણીમાં કુલ 15 સભ્યો હતાં. આજની આ ચૂંટણીમાં બે ઉમેદવારોએ ઉપ સરપંચના ફોર્મ ભર્યા હતાં. જેમાં નથુભાઈ અસવારને આઠ અને ચાનપા એભાભાઇને ત્રણ મત મળતા નથુભાઈ અસવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમા બે સભ્યો ગેરહાજર રહ્યા હતાં.