- આહવાથી 108માં સગર્ભા મહિલાને વલસાડ રીફર કરાઇ
- રસ્તામાં દુ:ખાવો થતાં 108માં જ સફળ પ્રસુતિ
- 108ના ઇ.એમ.ટી. દ્વારા ફોન પર ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસુતિ
ડાંગ : ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાની સિવિલ હોસ્પિટલમાંથી સગર્ભા મહિલાને રીફર માટેનો કોલ 108 એમ્બ્યુલન્સ આહવાની ટીમને મળ્યો હતો. કોલ આવતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ આહવાની ટીમે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે પહોંચી હતી. સગર્ભા મહિલા નામે જીવંતાબેન અરવિંદભાઈ પવાર (ઉ.વર્ષ 35)ને લઈને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રવાના થયા હતા.
અસહ્ય દુ:ખાવો ઉપડતા 108માં પ્રસૂતિ કરવાની ફરજ
આ સગર્ભા મહિલાને ચીખલી-વલસાડ હાઇવે ઉપર એમ્બ્યુલન્સમાં જ અચાનક અસહ્ય પ્રસૂતિનો દુ:ખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સ આહવાની ટીમને રસ્તામાં જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. ફરજ ઉપરના પાયલોટ સમીર કે શૈયદે માર્ગની સાઈડમાં 108 એમ્બ્યુલન્સ ઉભી રાખી .ઈ.એમ.ટી. છોટુભાઈ ચૌધરીએ ફોન ઉપર ડોક્ટરોની ગાઈડલાઈન મુજબ આ સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી બાળક અને માતાને નવજીવન બક્ષ્યું હતુ.
પ્રોગ્રામ મેનેજરે કર્મીઓની કામગીરીને બિરદાવી
નવજાત શિશુ સહિત માતાને 108 એમ્બ્યુલન્સ આહવાની ટીમ દ્વારા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે માતા સહિત બાળકને નવજીવન આપતા મહિલાના પરિવારજનો સહિત 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજરે આ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી.