કચ્છ: કડક દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ ઝડપાવવો કે દારૂની હેરાફેરી કરવી હવે કોઈ નવી વાત રહી નથી, છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં જાણે કે નામની જ દારૂબંધી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યાં છે, દારૂ પીનારા છે તો સામે દારૂ વેચનારા પણ એટલાં જ છે. અગાઉ માંડવી બીચ પર શાકભાજીની જેમ જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો, માંડવીના મકડા ગામની સીમમાં મંદિર પાસે ખાડામાં ટાંકીમાંથી દારૂનો જથ્થો છુપાવવાનો નવો કીમિયો સામે આવ્યો હતો. ત્યારે હવે કચ્છ એક્સપ્રેસમાં દારૂની બેગ ભરેલી બે મહિલાઓને મુસાફરોને ઝડપી પાડી છે અને આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ટ્રેનમાં દારૂ વેચતી મહિલાઓનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો કચ્છ એક્સપ્રેસનો છે, આ ટ્રેનમાં બે મહિલાઓ કથિત દારૂ વેચતી હોય તેમ મુસાફરોનો આરોપ છે. મુસાફરો આ બંને મહિલાઓ સાથે દારૂની વેચાણને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે, વીડિયોમાં રેલવે પોલીસ પણ દેખાઈ રહી છે.
400થી 500માં દારૂ વેચતી હોવાનું અનુમાન
બાંદ્રાથી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસમાં મુસાફરોએ દારૂ સાથે બે મહિલાઓેને ઝડપી પાડી હતી અને મહિલાઓ પાસે રહેલી બેગમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેનો વીડિયો મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોએ આ વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. આ મહિલાઓ 400 થી 500 રૂપિયામાં દારૂની બોટલો ટ્રેનમાં વેચી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મુસાફરોમાં રોષની લાગણી
મુસાફરોનું કહેવું છે કે આ મહિલાઓ થેલા ભરીને દારૂ વેચવા માટે આવે છે અને તેમને ઝડપી પાડવામાં આવતા તેઓ વીડિયોમાં દાદાગીરી કરતા પણ જોવા મળી હતી. ઘટનાને લઈને કચ્છી મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
બીજી તરફ આ બાબતે રેલ્વે પ્રશાસન ધ્યાન આપે એવી માંગ પણ કરવામાં આવી હતી. કચ્છ રેલવે પ્રશાસનમાંથી મળતી માહિતી મુજબ મુંબઈ ડિવિઝન વિસ્તારમાં મુસાફરોએ આ બે મહિલાઓને રેલવે પોલીસને સોંપી હતી અને આગળની કાર્યવાહી મુંબઈ રેલ્વે પોલીસ કરી રહી છે.