ગુજરાતના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. ચોમાસામાં ચારે નદીઓ છલોછલ ભરાઈ જાય છે પણ ઉનાળો ચાલું થતાં ની સાથે જ નદી તળાવો સુકાવા લાગે છે. ખેડૂતોને પિયત ખેતી અને પીવાનાં પાણી માટે વલખાં મારવા પડે છે. આ સમસ્યા નિવારણ માટે પાણી પુરવઠા, પંચાયત સિંચાઇ વિભાગ તેમજ જંગલ વન વિભાગ દ્વારા ઠેરઠેર નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવ્યા છે. પણ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે પાણી સંગ્રહ થઈ શકતો નથી. અમુક ગામોમાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહ કરીની નજીકના ગામડાઓમાં ટેન્કર કે પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.
ડાંગ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભગુભાઈ પટેલ જણાવે છે કે ડાંગ પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કુલ ૭૫૧ ચેકડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે. ચાલું વર્ષે બીજા ચાર ચેકડેમ બાંધવામાં આવ્યાં છે જેમાંથી ત્રણ ચેકડેમનું બાંધકામ પૂર્ણ થયેલ છે. હાલમાં ૧૦૦ જેટલાં ચેકડેમ તૂટેલી હાલતમાં છે જ્યારે અન્ય ચેકડેમોની હાલત સારી છે તથા સારી રીતના પાણી સંગ્રહ થાય છે.
જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગની મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં કુલ ૩૨૦ ચેકડેમ આવેલ છે જેમાંથી ૧૨૬૪ ખેડૂતોને પિયત ખેતી માટે ચેકડેમના પાણીનો લાભ મળે છે. જ્યારે ૨૨ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી તે ચેકડેમની પરિસ્થિતિ સારી નથી. જ્યારે સુબીર તાલુકામાં કુલ ૧૯૩ ચેકડેમ આવેલાં છે. જેમાંથી ૪૮૩ ખેડૂતોને ચેકડેમ દ્વાર ખેતી માટે પાણી ઉપયોગી થાય છે. સુબીર તાલુકામાં કુલ ૫૦ ચેકડેમની પરિસ્થિતિ સારી જણાતી નથી. વઘઇ તાલુકામાં કુલ ૨૪૧ ચેકડેમ આવેલ છે અને ૬૦ ચેકડેમ ની હાલત બરબાદ નથી કે જેમાં પાણી પણ સંગ્રહ થઈ શકતું નથી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ભરપૂર વરસાદ પડે છે પણ ભૌગોલિક પરિસ્થિતિના કારણે મોટા ચેકડેમ શક્ય નથી. જેનાથી સરકાર દ્વારા નદીઓ પર ઠેરઠેર નાનાં ચેકડેમનું નિર્માણ કરીને પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાંથી ખેડૂતો તેમની પિયત ખેતી માટે ચેકડેમનું પાણી ઉપયોગમાં લઇ શકે. તેમજ પીવાના પાણી અને કુવા રિચાર્જ માટે ચેકડેમનાં પાણીનો ઉપયોગ કરી શકે છે.