- વઘઇ- બીલીમોરા સહિત રાજ્યની 11 ટ્રેનો બંધ કરવાનો નિર્ણય કર્યો
- આર્થિક રીતના ન પરવડતું હોવાનું જણાવી ટ્રેનો બંધ કરવામાં આવી હતી
- લોકોની રજુઆત ને ધ્યાને લઇ 3 ટ્રેનો ચાલુ કરવામાં આવી
ડાંગ : આદિવાસી વિસ્તાર ની એકમાત્ર વઘઇ -બીલીમોરા ચાલું થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો હતો. અને તેની જાહેરાત પણ કરી દીધી હતી. રેલ મંત્રાલયનાં પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંગેનો એક પત્ર ચર્ચગેટ મુંબઇ ખાતેને મોકલી આપ્યો હતો.
ટ્રેન બંધ થઈ જતાં લોકોનો વિરોધ
વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે અધિકારીઓને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વાંસદા નાં ધારાસભ્ય અંનત પટેલ દ્વારા ઠેરઠેર પ્રતીક ધરણાં કરવામાં આવ્યાં હતાં. સાથે જ આ ટ્રેન બંધ થઈ જતાં વઘઇ વેપારી મંડળમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી.
લોકોની માંગણીઓને ધ્યાને લઇ રેલ મંત્રાલયે ત્રણ ટ્રેનો ચાલું કરી
લોકોની માંગણીઓને ધ્યાને લઇ રેલ મંત્રાલયે ત્રણ ઐતિહાસિક ટ્રેન ફરીથી ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કુલ 11 માંથી ત્રણ ટ્રેનોને ફરીથી ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયનાં આ નિર્ણયથી ડાંગનાં સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વઘઇ - બીલીમોરા ઐતિહાસિક નેરોગેજ વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ચાલું કરવામાં આવી હતી.
ડાંગના વેપારીઓ, વિદ્યાર્થીઓને આ ટ્રેન આશીર્વાદ રૂપ
ડાંગ જિલ્લાનાં આદિવાસીઓને શહેર સાથે જોડતી એકમાત્ર આ ટ્રેન ફરી ચાલુ થઈ જતાં લોકો હવે મજુરી કામ તેમજ વિદ્યાર્થીઓ પણ અન્ય જિલ્લામાં ભણવા માટે જઇ શકે છે.રેલવે મંત્રાલય દ્વારા ટ્રેન ફરી ચાલું કરવા માટે નો એક પત્ર ચર્ચગેટ મુંબઈને પણ મોકલી આપ્યાની જાણ વઘઇ વેપારી મંડળને થતા તેઓમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અંગ્રેજોનાં સમયથી આદિવાસી લોકોમાં છુક છુક ગાડી અને ઐતિહાસિક ધરોહર સમી તરીકે ઓળખાતી વઘઇ-બીલીમોરા નેરોગજ ટ્રેનને ફરીથી ચાલુ કરવા માટે લીલી ઝંડી મળી જતા ડાંગનું આ નજરાણુ ઇતિહાસ માટે સંભારણું બની રહેશે.
અંગ્રેજોના સમયમાં ચાલું થયેલ આ ટ્રેનને હેરિટેજનો દરજ્જો મળ્યો
આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો હતો. જેમાં સફર કરવાનો આનંદ આહલાદક બનતો હતો. વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન વઘઇ થી નીકળી અંબિકા નદી ઉપરથી પસાર થઈ ડુંગરડા, કાળાઆંબા, ઉનાઈ, અનાવલ, રાનકુવા,ચીખલી, ગણદેવી, થઈને બીલીમોરા પહોંચતી. 31 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનને આ મુસાફરીમાં 3 કલાકનો સમય લાગે છે.
વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન અંગેની ખાસિયત
વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન મહારાજ સયાજીરાવ દ્વારા ચાલું કરવામાં આવી હતી. આ ટ્રેન અંબિકા નદીનાં પુલ ઉપર થી પસાર થતાં કુદરતનો અદભુત આહલાદક નજારો જોવા મળતો હતો. આ ટ્રેનમાં વચ્ચે આવતું ફાટક ટ્રેનનાં ગાર્ડ દ્વારા ખસેડવામાં આવતું હતું. જેથી આરામદાયક સમય સાથે આ ટ્રેન ની મુસાફરી મુસાફરો માટે યાદગાર રહેતી હતી. આ ટ્રેનને 1937 સુધી સિસ્ટમ એન્જીન ખેંચતુ હતું બાદમાં આ ટ્રેન ને ડીઝલ એન્જીન કરી દેવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં ટિકિટ માટે લાંબી લાઈનો લગાવી પડતી નહીં પરંતુ ટ્રેનમાં જ મુસાફરો ટિકિટ લઈ શકતાં હતા.