- આહવા સુબિરનાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર લશ્કરીયા ફાટક પાસે અકસ્માત
- 2 બાઇક સામસામે ભટકાતાં બન્ને બાઇક સવારોના મોત
- આહવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર આજે રવિવારે સંજય દેવરામ ગાયકવાડ તથા કમલેશ બાળુભાઈ ગાવીત બાઈક પર સવાર થઈ સુબિર ખાતે હોમગાર્ડની ડ્યૂટી કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આહવાથી સુબિરને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં લશ્કરીયા ફાટક પાસે કરંજડા ગામનાં વીનેશ તારસિંગ પવારે પોતાનાં કબ્જાની બાઈકને પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી તેઓની બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : પાટણના હારીજ રાધનપુર રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, એકનું મોત
બાઇકની ટક્કરમાં બન્ને ચાલકોના મોત
આ અકસ્માતનાં બનાવમાં બન્ને બાઈક ચાલકોમાં સંજય દેવરામ ગાયકવાડ તથા વીનેશ તારસિંગભાઈ પવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે બાઈક ઉપર પાછળ બેસેલા અન્ય સવાર નામ કમલેશ બાળુભાઈ ગાવીતને પણ શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં બન્ને મોટરસાઇકલ વાહનોને પણ જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.