આહવાઃ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી-શિવારીમાળ ગામ વચ્ચે ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શનિવારે મહારાષ્ટ્ર રાજ્યનાં વણી તરફથી ટામેટાનો જથ્થો ભરી ટ્રક સુરત જઈ રહ્યો હતો. આ દરમિયાન સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી શિવારીમાળ ગામ વચ્ચેનાં વળાંકમાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ ટ્રક બેકાબુ બની પલ્ટી મારી આ દુર્ઘટના ઘટી હતી.
આ ઘટનામાં ટ્રકને પણ મોટુ નુકસાન થયુ હતુ, તેમજ ટામેટાનાં જથ્થાનો પણ ખુરદો બોલાઈ જતા માલિકને જંગી નુકસાન થયુ હતુ. આ ઉપરાંત ટ્રક ચાલક સહીત ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.