ડાંગઃ સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર મંગળવારે જુદા જુદા ત્રણ અકસ્માત થયા હતા. આ અકસ્માતમાં 5 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.
અકસ્માત સ્થળ પરથી મળેલી માહિતી મુજબ મંગળવારે ચેન્નાઈ તરફથી સાધન સામગ્રી ભરી અમદાવાદ તરફ જઈ રહેલા કન્ટેનર સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પરના ચીખલી ગામ નજીક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જે કારણે આ કન્ટેનર માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને પગે ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડાયો હતો.
બીજા બનાવમાં આણંદ તરફથી તમાકુનો જથ્થો ભરી પુણે તરફ જઈ રહેલા આઈસરને અકસ્માત નડ્યો હતો. આ આઈસર સાપુતારાથી વણી મહારાષ્ટ્રને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ઠાણાપાડા ગામ પાસે માર્ગમાં પડેલા મોટા ખાડામાંથી બચાવવા જતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આઈસર પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ચાલક અને ક્લિનર આઈસરની કેબિનમાં ફસાઈ જતા આવન જાવન કરતા વાહન ચાલકોએ મહામુસીબતે બહાર કાઢી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ત્રીજા બનાવમાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં નાસિકથી સુરત તરફ જઈ રહેલા ટ્રકચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતનામાં ટ્રકમાં ભરેલા ભુસાનો જથ્થો પણ વેર વિખેર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાલક અને ક્લિનરને નાની મોટી ઈજાઓ થઈ હતી. જે કારણે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.