ડાંગઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (સેવાસદન) ખાતે કલેકટર એન.કે. ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયા તેમજ જિલ્લાના સંબંધિત કચેરીના વડાઓની ઉપસ્થિતિમાં પ્રિ-મોનસુન તૈયારીઓ અંગે બેઠક યોજાઇ હતી.
જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માર્ગદર્શન આપતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, ખાસ કરીને વનવિભાગ, નેશનલ હાઇવે ઓથોરિટી, વિજળી, પાણી પુરવઠા, પોલીસ, આર.ટી.ઓ, માર્ગ અને મકાન સ્ટેટ અને પંચાયત વિભાગ જેવા તમામ મહત્વના વિભાગોએ પોતાના કંટ્રોલરૂમ શરૂ કરવાના રહેશે.
કંટ્રોલરૂમ ૨૪ કલાક સતત ચાલુ રહે તેમજ આપત્તી સમયે કોઇપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારી/કર્મચારીઓને ફરજ સોંપણી કરવાની રહેશે. તમામ અધિકારી/કર્મચારીઓ પોતાના હેડકવાર્ટર પર હાજર રહે અને પરવાનગી વગર ગેરહાજર ન રહે તે કચેરીના વડાએ જોવાનું રહેશે. જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ પોતાની જવાબદારી સમજી સારૂ કામ કરે એવી અપેક્ષા કલેકટર ડામોરે સેવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, જાનહાનીના કિસ્સામાં જે તે વિસ્તારના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ તાત્કાલિક સહાય ચૂકવવાની થાય છે. આવા કિસ્સામાં પોલીસ રીપોર્ટ, ડોકટરી રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઇએ. જેથી ઓનલાઇન એન્ટ્રી કરી શકાય તેમજ અરજદારને મુશ્કેલ સમયમાં મદદ કરી શકાય.
માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયત વિભાગના ઈ.ચા. કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલે જણાવ્યું હતું કે, સાવધાની રાખવાની જગ્યાએ તથા કોઝ વેના માર્ગ પર દિશાસૂચક ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. નીંચાણવાળા વિસ્તારોમાં ૭ જેટલી જગ્યાએ પાણી ઓસરી જાય પછી વાહન વ્યવહાર ચાલુ થઇ શકે છે. બીજો કોઇ વિકલ્પ નથી. જુના દાવદહાડ ગામના પુલનું કામ ચાલુ છે. સાપુતારા ઢોળાવ જગ્યાએ અકસ્માત સમયે શામગહાન ખાતે 1 ક્રેન તથા આર.ટી.ઓ.દ્વારા સંકલનમાં રહીને 1 ક્રેન રાખવામાં આવશે. શામગહાનથી મહાલ સુધીના માર્ગ પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક આસી.ઈજનેરને ફરજ સોંપણી કરવા કાર્યપાલક ઈજનેર શાહ દ્વારા જણાવાયું હતું.
વાવાઝોડા જેવી કોઇપણ ધટના સમયે ગ્રામ્ય કક્ષાએ તલાટીઓએ ઉપસ્થિત રહી સત્વરે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવાની રહેશે. સરીતામાપક આર.જી સેકશન વાંસદાના અધિકારી ડી.એલ.પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં સાપુતારા, કાલીબેલ, ચીંચીનાગાંવઠા, આહવા, શામગહાન અને સુબીર જેવા ૧૪ જેટલા સ્થળોએ રેઇનગેજ મુકવામાં આવ્યા છે. ખાસ કરીને આહવા, વધઇ અને સુબીર મામલતદાર કચેરીઓમાં રેઇનગેજ મુકવા કલેકટર ડામોરે કહયું હતું. તેમજ વિજળી,પાણી પુરવઠો નિયમિત મળી રહે અને ચોમાસા દરમિયાન અનાજનો જથ્થો પુરતો રહે, વેર-૨ પ્રોજેક્ટ તથા સિંચાઇ વિભાગના ચેકડેમો ચેક કરી લેવા કલેકટર ડામોરે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસ COVID 19ની કામગીરી સાથે સાથે આરોગ્યના બધાજ કાર્યક્રમો સમયસર થયા અને પ્રિ-મોનસુનની તૈયારીના ભાગરૂપે દરેક ગામોમાં મેલેરિયાની દવાઓનો છંટકાવ થાય તે માટે આરોગ્ય વિભાગને સજ્જ રહેવા કલેકટર ડામોરે જણાવ્યું હતું. આ બેઠકમાં ઉત્તર અને દક્ષિણ ડાંગ વનવિભાગના નાયબ વન સંરક્ષકઓ અગ્નૈશ્વર વ્યાસ, દિનેશ રબારી, નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી, પ્રાયોજના વહીવટીદાર કે.જી.ભગોરા, તમામ મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, અધિક્ષક ર્ડા.રશ્મિકાંત કોંકણી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.સંજય શાહ તથા સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.