ડાંગ: ડાંગ જિલ્લાના આહવા ખાતે કોવિડ-19 હોસ્પિટલની નર્સનો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ નર્સને કોવિડ કેર સેન્ટર સુબિર ખાતે આઈસોલેટ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ છે.
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લામાં ગુરૂવારના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લાની તમામ બોર્ડરો પર ચુસ્તપણે નાકાબંધી હોવા છતાં આ યુવતી ચોરીછુપીથી સુરતની કિરણ હોસ્પિટલથી ડાંગ આવી હતી.
પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી આ યુવતીએ નર્સ તરીકે ભરતી થઈ હતી. ત્યારે આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતાં તેનો રિપોર્ટ કરાવામાં આવ્યો હતો. તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવતીના સંપર્કમાં આવેલા 61 વ્યક્તિઓને ટ્રેસ કરીને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જયારે યુવતીને કોવિડ કેર સેન્ટર સુબિરમાં આઈસોલેટ કરવાંમાં આવી છે.
કોરોના પોઝિટિવ આવેલી નર્સ યુવતીના લહાનઝાડદર ગામની આસપાસનાં 3 ગામોને કન્ટેઈનમેન્ટમાં આવરી લેવામાં આવ્યો હતા. જેમાં ગતરોજ આરોગ્ય શાખાની ટીમ દ્વારા સેનેટાઈઝેશન કરી કુલ 298 ઘરોનો સર્વે કરી કુલ 2469 વ્યક્તિઓનું સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી 206 વ્યક્તિઓનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી 1 રિપોર્ટ પોઝિટિવ અને 195 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 10 રિપોર્ટ પેન્ડિંગમાં છે.
ડાંગમાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર લોકડાઉનની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોરોના વાઈરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચુસ્તપણે અમલવારી કરાવી રહ્યું છે. લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડાંગના ત્રણેય તાલુકાઓમાં જાહેર રસ્તા પર થુંકવા બદલ દંડની કાર્યવાહી કરી 3 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
અન્ય જિલ્લામાંથી પરત ફરેલા જેમાં મોટાભાગે મજૂર વર્ગ છે. તેમાંથી અત્યાર સુધી 316 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન તેમજ 26 ફેસિલિટી ક્વોરેન્ટાઈનમાં છે. જ્યારે 14 વ્યક્તિઓનો હોમ ક્વોરેન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો છે.