ડાંગ: કોરોના વાઇરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી બાબતે ડાંગ કલેકટર એન.કે.ડામોર જણાવે છે કે, ડાંગ જિલ્લો જંગલ અને આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા આ જિલ્લામાં 30 ટકા લોકો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. અમુક લોકો દક્ષિણ ગુજરાતમાં શેરડી કામ માટે જાય છે. જ્યારે અમુક લોકો મહારાષ્ટ્રમાં દ્રાક્ષની વાડીમાં જાય છે. અહીં ઔદ્યોગિક ગૃહો કે નગરપાલિકા નથી. લોકો આજીવીકા માટે ખેતી પર આધારિત છે. ત્યારે ડાંગ જિલ્લામાં જાગૃતતા લાવવા માટે તંત્રની વિશિષ્ટ જવાબદારી થઈ પડે છે. કોરોના વાઇરસના કારણે તંત્ર દ્વારા તકેદારીના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અત્યારે લોકડાઉનની સ્થિતિમાં ઇન્ટર સ્ટેટ રસ્તાઓ લોક કરી દેવામાં આવ્યા છે. તથા ડિસ્ટ્રીકટ બોર્ડર પર ચકાસણી બાદ જ એન્ટ્રી કરવામાં આવી રહી છે. હાલ લોકડાઉનની સ્થિતિમાં તંત્ર લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરે છે. તથા તંત્ર એ પણ સુનિશ્ચિત કરે છે કે, લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. લોકોને હાડમારી ના થાય તે માટેના સતત પ્રયત્નો ચાલુ છે.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોરોનાના એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. તેમજ કોરોન્ટાઇન હોમમાં એક પણ વ્યક્તિને દાખલ કરવામાં આવેલ નથી. ડાંગ જિલ્લામાં અન્ય રાજ્યના લોકો અનઅધિકૃત રીતે રહેલા છે કે, નહીં તેની સઘન તપાસણી ચાલુ છે. તથા પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે વોચ રાખી રહ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં લોકોને કામ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે. તથા લોકો સામાજિક દુરી બનાવી રહે તેવું જણાવાયું છે. કોરોના વાઇરસને રોકવા ડાંગના તમામ પદાધિકારી અધિકારીઓ અને કામગીરી સાથે સંકળાયેલા તમામ હેલ્થ અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાની સેફટી જાળવીને લોકોની સેવા કરે તે માટે તાલીમ આપવામાં આવી છે.