ડાંગઃ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ચૌકયાથી ઇસદર ગામને જોડતા કોઝવેમાં મસમોટું ગાબડુ પડ્યું હતું. જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે. કોઝવેમાં ગાબડુ પડતા સ્થાનીકો સહિત વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના આહવા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ચૌકયા અને ઇસદર ગામને જોડતો કોઝવે ભારે વરસાદનાં પગલે તુટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ઇસદર ગામનાં લોકો આ કોઝવે ઉપરથી જીવનાં જોખમે પસાર થઈ રહ્યા છે, ત્યારે આ તૂટેલો કોઝવે અજાણ્યા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોનાં મેળાપણામાં બનેલા આ કોઝવેની હાલત ગતિશીલ ગુજરાતમાં જોજનો દૂર દેખાઈ રહી છે.
ચૌકયા ગામ તરફથી ઈસદર તરફ જતા આ કોઝવેનું ભારે વરસાદનાં કારણે પૂરમાં ધોવાણ થયુ હતું. અહીં કોઝવેનું ધોવાણ થઈ જતા આ ગામોનો વાહન વ્યવહાર તદ્દન ઠપ્પ થયો છે. જેના પગલે અહીના સ્થાનિક લોકો મુખ્ય મથક આહવાથી વિખૂટા પડી ગયા છે. હાલમાં ગ્રામજનોને રાસનની દુકાને જવા માટે તેમજ અન્ય કામોથી બહાર જવા માટે ભારે તકલીફો વેઠવી પડી રહી છે.
આ કોઝવે તુટી જતા સ્થાનીક લોકો દ્વારા અવરજવર માટે કોઝવે નજીક માર્ગ બનાવી જીવનાં જોખમે પાણીમાંથી અવર જવર કરવી પડે છે. જેથી આ બાબતે તંત્ર સજાગ બની લોકોની મુશ્કેલીઓ દૂર કરે તે જરૂરી બની ગયું છે.