ડાંગ: ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો 4200નાં ગ્રેડ પે બાબતે તથા અન્ય પડતર માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકાર તરફથી નક્કર પરિણામ ન આવતા બુધવારે ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોએ શાળામાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી એક દિવસ માટે પ્રતિક ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કેટલાક શિક્ષકો વર્ષ 2010 અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂંક થઈ નોકરી કરી રહ્યાં છે. તથા આ શિક્ષકો પી.ટી.સી, બી.એ,એમ.એ, બી.એડ, એમ.એડ જેવી ઉચ્ચ લાયકાતો ધરાવે છે. ગુજરાત રાજ્યમાં ઉચ્ચ લાયકાત ધરાવતા અને 9 વર્ષ નોકરીમાં પૂર્ણ થયેલા પ્રાથમિક શિક્ષકોને સરકાર દ્વારા ઉદાસીન વલણ અપનાવી 4200નાં ગ્રેડ પેની જગ્યાએ 2800નો ગ્રેડ પે આપી અન્યાય કરાઈ રહ્યો છે.
વધુમાં સીસીસીની પરીક્ષાની મુદતમાં વધારો કરવા, શિક્ષકોનાં સમયાંતરે બદલી કેમ્પ કરવા, ખાસ રજાઓની સ્પષ્ટતા કરવા,એચ ટાટ આચાર્યોનાં પ્રશ્નો ઉકેલવા સહિતનાં મામલે વારંવાર ધરણા અને બેઠકો કરવામાં આવે છે. તેમ છતાં રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષકો પ્રત્યે ઉદાસીન વલણ રાખી આજદીન સુધી પડતર માંગણીઓનો ઉકેલ આપવામાં આવ્યો નથી. બુધવારે ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબીર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ પોતપોતાની શાળાઓમાં માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે એક દિવસની પ્રતિક ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. આવનાર દિવસોમાં તેઓની માંગણીઓનો ઉકેલ ન મળે તો રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવતી તમામ કામગીરીઓનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.