- ડાંગનું રાજકારણ ચૂંટણી અગાઉ ગરમાયું
- કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવા અરજી
- ચૂંટણી અધિકારીએ ફોર્મ રાખ્યું માન્ય
ડાંગઃ જિલ્લામાં ભાજપ ઉમેદવાર વિજય પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની દાવેદારી અરજી રદ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરવામાં આવી હતી. જે જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ભરેલા ફોર્મની ચકાસણી કર્યા બાદ ફોર્મને માન્ય રાખ્યું છે.
ભાજપના ઉમેદવાર વિજય પટેલે કરી અરજી
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લામાં આજે એટલે કે શનિવારે ભાજપના ઉમેદવાર વિજય પટેલે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીતનું ફોર્મ રદ કરવાની માગ કરવામાં આવી હતી.
ફોર્મમાં 53 ભૂલનો દાવો
ભાજપ ઉમેદવારે કરેલી અરજીમાં જણાવ્યું કે, કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીતના એફિડેવિટમાં 53 જેટલી ભૂલો છે. જેમાં પત્નીનું નામ અને બાળકોના નામનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત આગલી એફિડેવિટમાં પણ 52 જેટલી ભૂલ કરવામાં આવી છે.
કોંગ્રેસને માનસિક રીતે હતાશ બનાવવા માટેની નીતિ
કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીતે ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભાજપ શામ, દામ અને દંડની નીતિ અપનાવી ઉમેદવારને ખરીદી કરવામાં માને છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ખેલદિલીથી ચૂંટણી લડવી જોઈએ. તેમના ફોર્મ ભરવાથી ભાજપ પક્ષ હલી ગયું છે. ભાજપ પક્ષના ઉમેદવાર જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરી કોંગ્રેસ પક્ષને નિરાશ કરવા અને માનસિક રીતે હતાશ બનાવવા માટેની નીતિ અપનાવે છે.
3 નવેમ્બરના રોજ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, ખાલી પડેલી 8 બેઠકો માટે 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં ડાંગમાંથી કોંગ્રેસે સૂર્યકાન્ત ગાવીતને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે વિજય પટેલ પર દાવ લગાવ્યો છે.