ડાંગ: શામગહાન ગામમાં આવેલી SBI બેન્કની નબળી કામગીરીથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત બેન્ક સાથે સંકળાયેલી અમુક કામગીરી માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. જેથી સ્થાનિક લોકોએ બેન્ક મેનેજરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોની મુશ્કેલીનું નિરાકરણ નહીં આવવા પર બેન્કને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બેન્કમાં એન્ટ્રી મશીન મહિનાઓથી બંધ પડ્યું છે. જેના કારણે લોકોને એન્ટ્રી કરાવવા 30 કિ.મી. દૂર આહવા જવું પડે છે. આ ઉપરાંત લોકો પાસે KYC ફોર્મ વારંવાર ભરાવવામાં આવે છે. આ સાથે જ બેન્કમાં જનધન યોજના અંતર્ગત નવા ખાતાં ખોલાવા માટે ગરીબ અને અભણ પ્રજા સાથે બેન્ક કર્મચારીઓએ ગેરવર્તણૂક પણ કરે છે.
વધુમાં સ્થાનિકોએ પાસબુક એન્ટ્રી મશીન, લેવડદેવડ, નવા ખાતાં ખોલવા જેવાં કામોમાં બેન્ક દ્વારા સુધારો કરવામાં નહીં કરવામાં આવવાથી બેન્કને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.