જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, "આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં માટે જિલ્લાપંચાયત દ્વારા 18 ટીમો તૈયાર કરવામાં આવી છે. આ યોજના મૃત્યુદરમાં થતાં વધારાને અટકાવવા માટે અમલમાં મૂકાઈ છે. જેનો મુખ્ય હેતુ સમાજ, રાજ્ય અને દેશને તંદુરસ્ત કરવાનો છે."
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજય શાહે જણાવ્યું હતું કે, "આરોગ્યના કર્મચારીઓ દ્વારા શાળાના તમામ બાળકોની તપાસણી કરવામાં આવશે. તેમજ જે બાળકોમાં ગંભીર રોગો જોવા મળશે તે બાળકોને સરકારની યોજના હેઠળ આવરી તેની સારવાર કરવામાં આવશે. એટલે હું તમામ વાલીઓને પોતાના બાળકોને ફરજિયાત તપાસ કાર્યક્રમ મોકલવા વિનંતી કરું છું. બાળકોની મેડીકલ તપાસ કરવા માટે આરોગ્યની ટીમ કટીબધ્ધ છે. આંગણવાડી અને પ્રાથમિક શાળા સહિત કુલ 900 સંસ્થાના 0થી 18 વર્ષ સુધીના બાળકોની તપાસ કરવામાં આવશે. જેથી વાલીઓએ પણ આ કાર્યક્રમાં જોડાઈને તંત્રના આ કાર્યને સફળ બનાવવા મદદ કરવી જોઈએ."
આમ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં કોઇપણ તકલીફ હોય તો તેની મુક્ત રીતે રજૂઆત કરવા વિદ્યાર્થીઓને સૂચન કર્યુ હતું. તેમજ શાળાના તમામ બાળકોને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ મનીષાબેન ગાંગુર્ડે, ડૉ.ડી.સી.ગામીત, ડૉ. ડી.કે.શર્મા, ડૉ.વિરાગ, સીડીપીઓ, સુબિર ભાનુબેન, આંગણવાડી કાર્યકરો, રાષ્ટ્રીય બાળ સુરક્ષા ટીમ સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.