રંભાસ ગામના યુવાનોને સફળ નેતૃત્વ પુરૂં પાડતા કેપ્ટન રમેશભાઇ માહલાએ જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ-2019ની 40 વર્ષથી વધુની કેટેગરીમાં યુવાનોએ ભાગ લીધો હતો. આ યુવાનોની ખેલ ભાવનાને પ્રોત્સાહન આપવા સૌ યુવાનોને રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૌપ્રથમ અમારી ટીમ તાલુકા કક્ષામાં વઘઇમાં વિજેતા થઇ હતી. જે બાદ સુબિર ખાતે જિલ્લા કક્ષામાં વિજેતા થયા અને ઝોન કક્ષાની સ્પર્ધા વલસાડ ખાતે યોજાઇ હતી.

આ સ્પર્ધામાં વલસાડની ટીમ સામે ફાઇનલ મૅચ યોજાઇ હતી. જેમાં ફાઇનલ મૅચ જીતીને આ ખેલાડીઓએ ડાંગનું અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું હતું. પોલીસ વિભાગ ડાંગમાં ફરજ બજાવતા અરવિંદભાઇ ગાવિતે કૉચ તરીકે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. રંભાસ ટીમને યોગ્ય માર્ગદર્શન આપીને ટીમને વિજય અપાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રસ્સા ખેંચ સ્પર્ધામાં રમેશભાઇ (કૅપ્ટન), અરવિંદભાઇ ગાવિત, ગમનભાઇ ભોયે, અમૃતભાઇ ગાવિત, મયુલભાઇ ભોયે, હરિચંદ્ર ચૌધરી, વિજય ચૌધરી, અજીતભાઇ ચૌધરી, રમેશભાઇ પવાર સહિત સમગ્ર ટીમને જિલ્લા વહીવટી તંત્ર અને રમત-ગમત વિભાગ અને ડાંગના લોકોએ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.