ડાંગ: જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાનાં પગલે ત્રણ દિવસ પહેલા ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યો હતો. નિસર્ગ વાવાઝોડાની અસરનાં લીધે ડાંગના આહવા, વઘઇ, સુબીર અને સાપુતારા પંથકનાં જંગલ વિસ્તારોમાં વૃક્ષો તેમજ વિજપોલ ધરાશયી થયા હતા, જ્યારે સાપુતારા ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાને લઇને છેલ્લા ત્રણ દિવસથી સતત ક્યાંક ઝરમરીયો, મધ્યમ કાંતો ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ નિસર્ગ વાવાઝોડાની આગાહીનાં પગલે ડાંગ કલેક્ટર એન.કે.ડામોર દ્વારા જિલ્લા વહીવટી તંત્રની બેઠક બોલાવામાં આવી હતી અને કલેક્ટરે અધિકારીઓને કામગીરીની સમીક્ષા કરી એલર્ટ રહેવાનાં સૂચનો કર્યા હતા.
દરેક કર્મચારીઓને હેડ ક્વાટર્સ ન છોડવાની સુચનાઓ આપી હતી. જો કે બુધવારે રાત્રીના 1 વાગ્યાનાં અરસામાં ફંટાઈને ડાંગ જિલ્લામાંથી પસાર થયેલા નિસર્ગ વાવાઝોડાનાં કારણે જનજીવન પર કોઇ અસર વર્તાઇ ન હતી.
રાત્રીનાં અરસામાં ફૂંકાયેલા તોફાની વાવાઝોડા અને ધોધમાર વરસાદમાં પણ લોકો પોતાના ધરમાં જ સુરક્ષિત જોવા મળ્યા હતા. પરંતુ આ તોફાની વાવાઝોડાની સાથે સમગ્ર પંથકોમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે અમુક સ્થળે વિજપોલ, તેમજ જંગલ વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થઈ જમીનદોસ્ત થઈ પડી જતા મોટી નુકસાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે સાથે જ રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં ઘાટમાર્ગ પર ઠેરઠેર ભેખડો ધસી પડી હતી.
ડાંગ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ દુર થતા શુક્રવારે દિવસ દરમિયાન આકાશી વાદળો સ્વચ્છ અને ખુલ્લા નિહાળવા મળ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધી હળવુ તાપમાનની સાથે ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.