ડાંગઃ કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા માટે બે તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનને સફળ બનાવાનાં સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા વડાપ્રધાન દ્વારા બે તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારની 14 જેટલી બોર્ડર ચેકપોસ્ટ પર ડાંગ આરોગ્યની ટીમ સાથે પોલીસ અને હોમગાર્ડનાં જવાનો 24 કલાક તૈનાત રહી ફરજ બજાવે છે. જ્યારે ડાંગનાં સરહદીય વિસ્તારની નજીક આવેલા મહારાષ્ટ્ર વિસ્તારનાં માર્ગો પર નાસિક જિલ્લાની પોલીસની ટીમ કે આરોગ્યની ટીમ પણ જોવા ન મળતા અનેક સવાલો થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા માટે બે તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનને સફળ બનાવાનાં સઘન પ્રયાસો હાથ ધર્યા છે. ડાંગ જિલ્લાની 14 જેટલી બોર્ડર ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગની સાથે હોમગાર્ડ પણ 24 કલાક માટે તૈનાત હોય છે.
ડાંગ જિલ્લાની ચીંચલી, કાંચનઘાટ, ઝાકરાઈબારી, સીંગાણા, માંળુગા, બારખાંદિયા, બરમ્યાવડ સહિતની ચેકપોસ્ટ મહારાષ્ટ્ર રાજ્યનાં ગામડાઓને જોડે છે સાથે આ ચેકપોસ્ટ નજીકનાં વિસ્તારમાં ડાંગનાં 30થી વધુ ગામડાઓ આવેલા છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડાંગ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ ન આવે તે માટે આ તમામ વિસ્તારનાં ચેકપોસ્ટ પાસે અને જંગલ વિસ્તારનાં પગદંડી રસ્તાઓ પર ડાંગ જિલ્લા પોલીસ વિભાગે 24 કલાક માટે પોલીસ અને હોમગાર્ડનાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
અહીથી રાત્રી દરમિયાન પણ કોઇ માણસો બોર્ડર ક્રોસ કરીને આવે નહિ તે માટે આ જવાનો ખડેપગે ઉભા રહીને રાજધર્મ નિભાવી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી ડાંગને જોડતી મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં નાશીક જિલ્લાનાં પોલીસ જવાનો કે આરોગ્યની ટીમો જોવા મળતી નથી, મહારાષ્ટ્રનાં સરહદીય વિસ્તારમાં માર્ગો કે પગદંડી વિસ્તારમાં કોઇપણ પોલીસ કે હોમગાર્ડનાં જવાનો જોવા મળી રહ્યા નથી
જેના કારણે મહારાષ્ટ્ર રાજ્યમાંથી લોકો સહેલાઈથી ડાંગ બોર્ડર સુધી પહોંચે છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને 3મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે તથા લોકડાઉનની પરિસ્થિતિમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકોનું આવન-જાવન અને હેરા ફેરી ન થાય તે માટે દરેક રાજયોનાં જિલ્લામાં સાંકળતા ગામ, બોર્ડર વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસનાં જવાનો મૂકવામાં આવ્યા છે.
ડાંગની નજીક આવેલા મહારાષ્ટ્ર રાજ્યનાં બોર્ડર માર્ગ વિસ્તારમાં એક પણ પોલીસની ટીમ ન હોવાના કારણે લોકો સહેલાઈથી અન્ય જગ્યાએ જઇ શકે છે. હાલની પરિસ્થિતિએ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેવામાં મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લા પોલીસ તંત્રની લાપરવાહીનાં પગલે ગુજરાતનાં ડાંગ પર પણ આફતનાં વાદળો ઘેરાઈ શકે છે
જેથી આ બાબતે સરકાર યોગ્ય પગલાલે તે જરૂરી બની ગયુ છે. આ બાબતે ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં D. Y. S. P આર.ડી.કવા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, લોકડાઉન અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાથી મહારાષ્ટ્ર રાજ્યને જોડતી તમામ સરહદોને સીલ કરાઈ છે.
ડાંગ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ સરહદિય પગદંડી પર હોમગાર્ડનાં જવાનો તૈનાત કરાયા છે. વધુમાં ડાંગ મહારાષ્ટ્ર રાજ્યની સરહદો પર મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ સુરક્ષાનો અભાવ હોવાનાં પગલે અમુક લોકો ડાંગની બોર્ડર સુધી આવી જાય છે. જેથી મહારાષ્ટ્ર હદની સુરક્ષા અને આવન-જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ બાબતે ડાંગ જિલ્લા S. P. સ્વેતા શ્રીમાળીએ મહારાષ્ટ્રનાં નાશીક જિલ્લાનાં એસ.પીને રજૂઆત કરી છે.