ડાંગ : પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ મહાલ ગ્રૂપ ગ્રામ પંચાયતના ઢોગીઆંબા ગામમાં કોઝવેનું ધોવાણ થતાં ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. TASP -2017-18માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાંધેલ કોઝવેમાં જે બે રસ્તા વચ્ચે તૂટી ગયા છે. કોઝવેની મુલાકાત લેતાં તે હલકી ગુણવત્તાના કાચા માલ ઉપયોગથી બનાવાયો હોવાથી પાણીમાં ધોવાઈ ગયો છે.
પૂર્ણા નદીનાં કિનારે આવેલ ઢોગીઆંબા ગામનાં બે ફળિયાંને જોડવા માટે આ કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ હાલ બે બાજુ મસમોટા ખાડા હોવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. લોકો પોતાના ખેતર અથવા અન્ય ફળિયામાં જવા માટેનો જે એકમાત્ર રસ્તો હતો તે સાવ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનો ગામની આ મુશ્કેલીથી પરેશાન જણાઈ રહ્યા છે ત્યારે તેઓની માગ છે કે આ કોઝવેનું નવીનીકરણ થાય અને લોકો માટેની અવરજવરની મુશ્કેલીઓ દૂર થાય.