ડાંગઃ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સુબીર તાલુકા પંચાયતમાં ભાજપના અઢી વર્ષના શાસન બાદ બાકીના અઢી વર્ષ માટે કોંગ્રેસના ટેકાથી પ્રમુખપદ મેળવનાર યશોદાબેન રાઉતે પદભાર સંભળ્યા બાદ ભાજપ કોંગ્રેસના આંતરવિગ્રહમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અને નામદાર હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા સુબીર તાલુકા પંચાયતનું શાસન ખોરંભે ચડયુ છે.
કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ મેળવનાર યશોદાબેન સામે ભાજપા સદસ્યોએ 24-01-2020ના રોજ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યાને 15 દિવસ ઉપરાંતનો સમય પૂર્ણ થવા છતાં પ્રમુખે વિશ્વાસ મત મેળવવા મીટિંગ ન બોલાવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે જાણ કરવાની હોય છે અને તેઓ દ્વારા તાલુકા પંચાયતમાં વિશ્વાસ મત રજૂ કરવા બન્ને પક્ષોને લેખિતમાં જાણ કરી વિશ્વાસ મત રજૂ કરવો પડે છે.
પરંતુ અહી તમામ ધારા ધોરણનો છેદ ઉડાડી દેવાયો છે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા બાદ પ્રમુખે નામદાર હાઇકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો હતો. કાયદાની જોગવાઈ મૂજબ હાઇકોર્ટે આપેલા સ્ટે મુજબ પ્રમુખ પદે યશોદાબેન રાઉત જ ઠરે છે. પરંતુ અહી ચૂંટાયેલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ સરકારી નીતિ નિયમોની અમલીકરણ કરવા તાલુકા, જીલ્લા વિકાસ અધિકારીની સંકલનના અભાવે બેદકારી છતી થઈ રહી છે. તેવામાં અગામી ડાંગ જિલ્લાનો સૌથી માનીતો હોળીના તહેવાર નિમિત્તે સુબીર તાલુકાના વિકાસકીય કામોમાં બ્રેક લાગી જતા આ વિસ્તારના લોકોને રોજગારીના અભાવે પ્રિય તહેવાર ફિક્કો જવાની દહેશત વર્તાઈ રહી છે.
આ સંદર્ભે સુબીર તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, પ્રમુખ સામે મુકેલ અવિશ્વાસની દરખાસ્તની મુદત પૂર્ણ થઈ ગયેલ છે જે અંગે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરી દીધો છે. તેમના આદેશ બાદ કાર્યવાહી હાથ ધરાશે.