- શિવમંદિરોમાં ફક્ત સ્થાનિક શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
- આંતરરાજ્ય સરહદે ચેકપોસ્ટ ઉપર રખાશે ચાંપતી નજર, બિનજરુરી અવરજવર ઉપર રોક લગાવાશે
- ગુજરાતનો પ્રખ્યાત મેળો ડાંગ દરબાર જિલ્લા બહારના વેપારીઓ માટે નો એન્ટ્રી
ડાંગ: આંતરરાજ્ય સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણની સાંપ્રત સ્થિતિને ધ્યાને લેતા શિવરાત્રી સહિત હોળી પૂર્વે ભરાતા હાટ/બજારો કે જેને સ્થાનિક લોકો ભૂરકુંડિયા બજાર તરીકે ઓળખે છે. તેમાં ડાંગ બહારના વેપારીઓને ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ડાંગ વહીવટી તંત્રનાં કારણે જિલ્લો કોરોનામુક્ત બની રહ્યો છે
ગુજરાત સહિત પડોશી મહારાષ્ટ્રમાં ફરીથી કોરોનાની સ્થિતિ વકરી રહી હોવાને કારણે તથા આજ સુધી કોરોનાથી સલામત રહેલા ડાંગ જિલ્લાના પ્રજાજનોના જાહેર સ્વાસ્થ્ય, અને સલામતી જાળવવા માટે અગમચેતીના ભાગરૂપે જરૂરી એવી જિલ્લા પ્રશાસનની આ કાર્યવાહીમાં સૌને પરસ્પર સંકલન સાથે સહયોગ આપવાની હિમાયત ડાંગ કલેકટર એન. કે. ડામોરે કરી છે.
આ પણ વાંચો: ડાંગ દરબાર નિમિત્તે પોસ્ટ ઓફિસ દ્વારા નવતર અભિગમ, એક દેશ એક બેંક
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કલેક્ટરે સામાજિક અગ્રણીઓ સાથે બેઠક યોજી
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક તાકિદની બેઠકમાં ડાંગ જિલ્લાના ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા કરતા કલેકટરે, ડાંગ જિલ્લાના મોટાભાગના પરિવારો શ્રમજીવી પરિવારો છે તેમ જણાવીને આવી આર્થિક સંકડામણ વચ્ચે જીવનનિર્વાહ કરતા પ્રજાજનોને કોરોનાના કહેરથી બચાવી શકાય છે. સીમિત સેવાઓના કારણે જરૂરિયાતમંદ દર્દીઓ કોરોનાના કહેરનો ભોગ ન બને તે માટે 'સાવચેતી એ જ સલામતી' એકમાત્ર ઉપાય છે તેમ જણાવ્યું હતુ.
કોરોનાના કારણે જિલ્લાના ભરતી મેળાઓ પર પ્રતિબંધ મુકાયો
રાજ્યમાં જૂનાગઢના મેળા સહિતના પ્રસિદ્ધ મેળાઓ કોરોના સંક્રમણના ભયના ઓથાર હેઠળ બંધ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ શિવરાત્રીના તમામ મેળાઓ બંધ રાખવા અને શિવમંદિરોમાં ફક્ત સ્થાનિક શ્રદ્ધાળુઓ જ નિયત માર્ગદર્શિકાઓના પાલન સાથે પૂજાઅર્ચન અને દર્શન કરી શકે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કલેક્ટર ડામોરે ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ શિવ મંદિરો બીલમાલ, બરમ્યાવડ, માયાદેવી, અટાળાધામ, દેવીનામાળ, ખાતળ, ચિંચલી, ઘોઘલી, સુન્દા, બોરખેત, બોરખલ, શબરીધામ અને પમ્પા સરોવર, સહિત આહવાના વિવિધ શિવ મંદિરોમા માત્ર દર્શનાર્થીઓ જ ભાગ લે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની તાકિદ કરી હતી.
આ પણ વાંચો: આહવા ખાતે ડાંગ દરબાર મેળામાં ઓર્ગેનિક ખેતી પદ્ધતિ માટેનાં પ્લાન્ટ લગાવાયા
આરોગ્ય વિભાગનુ સંયુક્ત ચેકિંગ અભિયાન
કોરોના સામે એપેડેમીક એક્ટ સહિતના વિવિધ પ્રતિબંધિત હુકમો, જાહેરનામાઓ જિલ્લામાં લાગુ કરાયા છે. તે ધ્યાને લઈને જાહેર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્રના આ કાર્યમાં સહયોગ આપવાની અપીલ કરતા ડાંગના પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ ધાર્મિક સંસ્થાઓના સંચાલકોને આ બાબતે વિશેષ કાળજી દાખવવાની અપીલ કરી હતી. જિલ્લાની સરહદી ચેકપોસ્ટ સહિત દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ અને આરોગ્ય વિભાગનુ સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા સહિત નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.