- ડાંગ જિલ્લામાં એક અઠવાડિયાથી પોઝિટિવ કેસમાં વધારો
- જિલ્લામાં મંગળવારના રોજ 22 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 18ના મોત થયા છે
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીતના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં મંગળવારે નોંધાયેલા 22 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 440 પર પહોંચ્યો છે. જે પૈકી 331 દર્દીઓને રજા અપાઈ ગઈ છે. જ્યારે હાલમાં 109 કેસ એક્ટિવ છે.
21 દર્દીઓ આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ
જિલ્લામાં કુલ 109 એક્ટિવ કેસ પૈકી 21 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 5 દર્દીઓ ડેઝિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર(સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે અને 83 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 941 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 8,460 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામાં હાલ 82 કન્ટેઈન્મેન્ટ ઝોન નિયત કરવામાં આવ્યાં
જિલ્લામાં આજની તારીખે કુલ 82 કન્ટેઈન્મેન્ટ ઝોન એક્ટિવ રાખવામાં આવ્યા છે. જેમાં 271 ઘરોને આવરી લઈને 1,098 વ્યક્તિઓને કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 81 બફર ઝોનમાં 535 ઘરોને સાંકળી લઈને 2,262 લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લામાં મંગળવારે 271 સેમ્પલો મેળવવામાં આવ્યા
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો મંગળવારે જિલ્લામાંથી 82 RT-PCR અને 189 એન્ટિજન ટેસ્ટ મળીને કુલ 271 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 82 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 44,579 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લામાં કુલ 33,650 લોકોએ વેક્સિન લીધી
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી 2097 હેલ્થ કેર વર્કરો, 4554 ફ્રન્ટ લાઇન વર્કરો અને 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 26,999 નાગરિકો મળી કુલ 33,650 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. મંગળવારે આવેલા પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો આહવા ખાતે 12, ભીસ્યા 2, સુબિર, જાંબાલા, ચીખલી, લહાન કસાડ, ગાઢવી, જામલાપાડા, દીવાનટેમબ્રુન, અને સરવર ગામે એક-એક કેસ નોંધાયા છે.