- ડાંગમાં શુક્રવારે 11 પોઝિટિવ કેસો નોંધાયા, 5 દર્દીઓને રજા અપાઈ
- 1 કોરોના પોઝિટિવ દર્દીનું મોત થતા કુલ મુત્યુઆંક 7 પર પહોંચ્યો
- જિલ્લામાં હાલ 53 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ
ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલના તબક્કે કોરોનાનો કાળો કેર દિવસેને દિવસે ઘાતક બની રહ્યો છે. હાલમાં ડાંગ જિલ્લામાં વિસ્ફોટક સ્થિતિમાં કોરોનાના કેસો વધી રહયા છે. દિનપ્રતિદિન વધી રહેલ કેસોનાં પગલે જિલ્લાની સ્થિતિ ચિંતાજનક હાલતમાં ફેરવાઈ છે. શુક્રવારે જિલ્લામાં નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, એક દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.
શુક્રવારે જ કોરોનાં પોઝિટિવ આવેલા દર્દી નું મોત
આહવાની પી.ડબ્લ્યુ.ડી. કોલોનીમાં રહેતા 38 વર્ષીય કર્મચારીને કોરોના ભરખી જતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 305 પર પહોંચ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 252 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. જ્યારે શુક્રવારે 53 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે.
53 પૈકી 15 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં, અન્ય હોમ આઈસોલેશનમાં
ડાંગ જિલ્લામાં 53 એક્ટિવ કેસો પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 2 દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર(આયુર્વેદિક હોસ્પિટલ) અને 36 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. જિલ્લામાં "કોરોના સંક્રમણ"ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવાર સુધીમાં 687 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 7,457 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 57 કન્ટેઈનમેન્ટ ઝોન નિયત કરાયા છે. જેમાં 222 ઘરોને આવરી લઈને 1,013 વ્યક્તિઓને કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 56 બફર ઝોનમાં 344 ઘરોને સાંકળી લઈને 1,522 લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લામાં શુક્રવારે 303 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો શુક્રવારે જિલ્લામાંથી RT-PCRના 175 અને 128 એન્ટીજન ટેસ્ટ મળીને કુલ 303 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી RT PCRનાં 175 સેમ્પલો પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 42,111 લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી 305 વ્યક્તિઓના રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે.