- ડાંગમાં 5 કેન્દ્ર પર વેક્સિનેશનનું ડ્રાય રન થયું
- રસી આપતી વખતે પડકારોના જાણવા ડ્રાય રન
- વેક્સિનેશન માટે ડાંગ આરોગ્ય વિભાગ સજ્જ
ડાંગ જિલ્લામાં "કોવિંડ-19" વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ સુસજ્જ
મંગળવારના દિવસે જિલ્લાના પાંચ સ્થળ પર કોરોના વેક્સીનનો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહના જણાવ્યા અનુસાર, કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થવાની છે ત્યારે આ રસી કેવી રીતે આપવી તે માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર ડાંગ આરોગ્ય વિભાગે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે.
ડાંગ જિલ્લામાં રસી આપવા માટે મોકડ્રિલ યોજાઈ
આ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ, આ રસી આપવા માટે એક ડ્રાય રન-મોકડ્રીલનું આયોજન કરાયું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, કેન્દ્ર સરકારે આ માટે ચાર રાજ્યોની પસંદગી કરી છે, જેમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, પંજાબ અને આસામમાં પણ આ ડ્રાય રન યોજાઈ રહ્યા છે.
ડાંગ જિલ્લામાં આહવાની સિવિલ હોસ્પિટલ, વઘઈના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુબિરના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાકરપાતળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને (5) ગાઢવીની પ્રાથમિક શાળામાં મોકડ્રિલ યોજાઈ હતી.
વેક્સિનેશન વખતે સામે આવતા પડકારોને જાણવા મોડડ્રિલ યોજાઈ
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દેશમાં કોવિડ-19 રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં રસીકરણના વાસ્તવિક અમલીકરણ પહેલા પડકારો અને ઉપાયો વિશે પણ અભ્યાસ થઈ શકે તેવો આ ડ્રિલનો હેતુ છે.