પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ડાંગની ચારેય નદીઓના વહેણ તેજ બન્યાં હતા. ભવાનદગડ ગામે પણ નદીમાં ધોડાપુર આવ્યું હતું. ગામનાં બે બાળકો નદીમાં નાહવા પડ્યાં હતાં, અચાનક નદીના વહેણ તેજ બનતાં ગામનાં બે બાળકો પુરમાં ફસાઇ જવા પામ્યાં હતા. પુરના વહેણ તેજ બનતાં બન્ને બાળકોએ નદીમાં આવેલ ઝાંખરાનો સહારો લઇ પુરની સ્થિતીથી બચી ગયા હતાં.
બાળકોએ સુજબુઝ વાપરીને પુરના વહેણ તેજ હોવા છંતા તરીને નદી કાંઠે આવ્યાં હતાં. નદી કાંઠે હાજર લોકોએ તેમને પકડી લીધા હતા. બાળકોનો બચાવ થતાં જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લોએ પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી, વરસાદનું પાણી તરત પહાડો પરથી ઉતરી નદીમાં વહી જાય છે. જેના કારણે શાંત દેખાતી નદીનાં વહેણ તેજ બની જતાં હોય છે.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદના સમયે નદીમાં જવાની અથવા નદીનાં નીચાણવાળા વિસ્તારોમાં જવાની સખ્ત મનાઈ ફરવામાં આવી છે. સદનસીબે બાળકોને તરતાં આવડતું હોવાથી તેઓનો ચમત્કારીક બચાવ થયો હતો.