- સાપુતારાના સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય
- 30 એપ્રિલ સુધી સાપુતારા બંધ, ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ મળશે
- ડાંગ અને રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી કરાયો નિર્ણય
ડાંગઃ જિલ્લામાં કોરોનાના કેસ વધતા વેપારીઓ સ્વૈચ્છિક લૉકડાઉન કરી રહ્યા છે. રાજ્યનાં એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક વેપારીઓ દ્વારા રેસ્ટોરાં તેમજ લારી ગલ્લાઓને 15 દિવસ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી સાપુતારામાં ધંધા રોજગાર ઠપ્પ પડ્યા છે. આ વર્ષે કોરોનાના કહેરના કારણે પ્રવાસીઓનો ધસારો ઓછો જોવા મળ્યો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરમાં પ્રવાસીઓથી ઉભરાતા ગિરિમથક સાપુતારામાં કાગડાઓ ઉડી રહ્યા છે. સાથે લારી ગલ્લા વાળાઓ પ્રવાસીઓની રાહ જોવામાં દિવસો કાઢી નાખે છે.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
કોરોનાના કારણે સાપુતારામાં સ્થાનિકોએ સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કર્યો
ગત 10 દિવસથી ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ભારે ભરખમ વધારો થતા સાપુતારા લારી ગલ્લા એસોસિએશન તેમજ સાપુતારાની તમામ રેસ્ટોરન્ટ ચલાવનાર માલિકોએ 15 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.હાલમાં કોરોનાની વિકટ મહામારીમાં પ્રવાસીઓને પણ સાપુતારા ન આવવા માટે અપીલ કરાઈ છે.
આ પણ વાંચોઃ સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ
સ્થાનિક વેપોરીઓએ પણ સ્વૈચ્છિક લૉકડાઉન કર્યું
સાપુતારામાં લારી ગલ્લા એસોસિએશનનાં પ્રમુખ રામચંદ્ર હડશે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લૉકડાઉનની ફરત પડી છે. પ્રવાસીઓ પણ સાપુતારામાં આવી રહ્યા નથી ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સાપુતારાના તમામ નાના ધંધા રોજગાર ચલાવનાર તેમજ રેસ્ટોરાં ચલાવનારા માલિકોએ સ્વૈચ્છિક 15 દિવસ સુધી લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવસે 2 વાગ્યા સુધી અમુક આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે. જ્યારે રેસ્ટોરાંમાં ફક્ત જમવાનું પાર્સલ મળશે.
લારી ગલ્લા અને રેસ્ટોરાં બંધ જ્યારે હોટેલો ચાલુ
એક વર્ષથી ખોટ ખાતા સાપુતારામાં તમામ હોટેલો ચાલુ જોવા મળે છે, પરંતુ કોરોનાનાં કારણે અહી પ્રવાસીઓ આવી રહ્યા નથી. આથી પ્રવાસીઓની વાટ જોઈ થાકેલા નાના મોટા ધંધાર્થી હાલમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા માટે લાચાર બની ગયા છે.