ડાંગ: સાતમ આઠમના તહેવાર પર લોકો જુગાર રમવા માટે ભેગા થતા હોય છે. ત્યારે, આ જુગાર રમતા પત્તાપ્રેમીઓ પોલીસની પકડમાં આવી જતા હોય છે. ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.આઈ.વસાવાનાં માર્ગદર્શન હેઠળ LCB પી.એસ.આઈ પી.એચ.મકવાણાની પોલીસ ટીમે જન્માષ્ટમી પર્વમાં ગેરકાયદેસર ચાલતી જુગાર પ્રવૃત્તિને અટકાવવા બાતમીનાં આધારે દરેક વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.
તે દરમિયાન ડાંગ એલ.સી.બી.PSI પી.એચ.મકવાણાને ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીખલી ગામમાં કેટલાક લોકો તીન પતીનો પૈસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ચીખલી ગામે રેઇડ પાડતા તીન પત્તીનો જુગાર પૈસા વડે રમતા પાંચ લોકોમાં મનીષ વાડુ, અજય વાડુ,જયેશ ગાવીત, સોનુ ગાવીત, માનસિંગ બાબુરાવ આ તમામની ધરપકડ કરી તેઓ પાસેથી 11,650ની રોકડ રકમ તથા બે નંગ મોબાઈલનાં 10,000 હજાર મળી કુલ 21,650નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.