ડાંગઃ ગુજરાત વિધાસસભાની 8 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી પહેલા ડાંગમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કાલીબેલ વિસ્તારના 153 કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપાનો કેસરિયો ધારણ કરી લેતા લોકોના હોશ ઊડી ગયા છે. આ અગાઉ પણ આહવા તાલુકાના એક સભ્ય, વઘઈ તાલુકાના બે સભ્યો તથા બરડા જિલ્લા પંચાયતના એક સભ્ય અને ગારખડી પંચાયતના સરપંચ સહિત હજારોની સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈ જતા ડાંગ જિલ્લાના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસનો ગઢ મનાતા વઘઈ મંડળનાં કાલીબેલ ખાતે કેબિનેટ પ્રધાન ગણપત વસાવાની અધ્યક્ષતામાં ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદી, સંગઠન વિસ્તારક અશોક ધોરાજિયા, જિલ્લા અધ્યક્ષ બાબુરાવ ચૌર્યા, મહામંત્રી દશરથ પવાર, કિશોર ગાવિત, રમેશ ગાગુંડે, પૂર્વ ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિતનાં અગ્રેસર અને નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળના રંગથી રંગાઈ જવાનું નક્કી કર્યું હતું.
ડાંગ જિલ્લામાં પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું કાર્ય, વિકાસ અને પ્રગતિના ડંકાનાં કારણે ડાંગના ગામડાઓના કૉંગ્રેસી કાર્યકર્તાઓ હોંશે હોંશે ભાજપને હ્રદયમાં સ્થાન આપી કેસરિયો ધારણ કરી રહ્યા છે તેવું લોકો માની રહ્યા છે. કાલીબેલ ખાતે 153 કોંગ્રેસી કાર્યકરોએ સાથે વઘઈ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સનત ચૌધરી સહિત નિવૃત્ત શિક્ષકો અને સખી મંડળોની મહિલાઓએ મોટી સંખ્યામાં ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગી છાવણીમાં સન્નાટો ફેલાયો છે.