- 1842થી ચાલ્યો આવતો દરબાર આ વર્ષે નહીં યોજાય
- કોરોના મહામારીના કારણે લેવાયો નિર્ણય
- સ્થાનિક હાટ/બજારમાં ડાંગ બહારના વેપારીઓ ભાગ નહીં લઈ શકે
ડાંગ: આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ડાંગ કલેક્ટર એન. કે. ડામોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ક્યારેય પ્રજાકીય જાનમાલના ભોગે જાહેર સમારોહ, મેળાવડાઓને પરવાનગી આપી ન શકે. જેના કારણે આગામી ડાંગ દરબારનો મેળો નહીં યોજાય.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થવાના કારણે લેવાયો નિર્ણય
ડાંગ કલેક્ટર એન. કે. ડામોરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની વકરેલી સ્થિતિને અનુલક્ષીને ડાંગ દરબારનો મેળો યોજવો તે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે. ડાંગ જિલ્લાની કુલ વસ્તી માંડ 2 લાખની છે. જેની સામે ડાંગ દરબારના મેળામાં ડાંગ બહારથી અંદાજીત 5 લાખ જેટલી જનમેદની ઉમટતી હોય છે. જેના કારણે જાહેર આરોગ્ય સામે ચોક્કસ જ જોખમ ઊભુ થઇ શકે તેમ છે. આવા જાહેર કાર્યક્રમો યોજવા હિતાવહ નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં મોટાભાગના શ્રમજીવી પરિવારો છે, ત્યારે કોરોના સામે બાથ ભીડવા માટે ડાંગ જિલ્લામાં સીમિત સાધન સુવિધાઓ ધ્યાને લેવાની સાથે ડાંગના રાજવીઓએ પણ વ્યાપક પ્રજાહિત ધ્યાને લેતા પ્રશાસનના પ્રયાસોમાં સહયોગ આપવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: આહવા ખાતે ડાંગ દરબાર મેળામાં ઓર્ગેનિક ખેતી પદ્ધતિ માટેનાં પ્લાન્ટ લગાવાયા
કોવિડના નિયમના પાલન સાથે રાજાઓને શાલીયાણું આપવા રાજાઓની સંમતિ
ડાંગના રાજવીઓ વતી વાસુરણાના રાજવી ધનરાજસિંહજીએ પ્રજાવત્સલ રાજવીઓની લાગણીને ધ્યાનમા રાખીને જાહેર સુખ સુખાકારી માટે અહીના પરંપરાગત મેળાને પ્રતિબંધિત રાખીને માત્ર શાલીયાણા અર્પવાના કાર્યક્રમને કોવિડ-19ની માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે યોજવા સહમતી દર્શાવી હતી. ધનરાજસિંહજીએ ડાંગના પ્રજાજનોના આરોગ્યની જાળવણી એ પ્રશાસન, રાજકીય પદાધિકારીઓ અને અધિકારીઓની નૈતિક જવાબદારી છે તેમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ડાંગનાં રાજાઓ દ્વારા જાહેરમાં ડાંગ દરબાર ઉજવવાની માંગ
રાજાઓને સંભવિત 24 માર્ચ નાં રોજ શાલીયાણું આપવામાં આવશે
ડાંગ જિલ્લાની ઐતિહાસિક પરંપરાને જાળવવા માટે શાલીયાણા અર્પણ કરવાનો સાદગીપૂર્ણ કાર્યક્રમ આગામી 24 મી માર્ચના રોજ ડાંગ દરબાર હોલ ખાતે યોજવા અંગેની ચર્ચા કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, હોળીના તહેવાર સંદર્ભે ભરાતા સ્થાનિક હાટ/બજારોમા ડાંગ બહારના વેપારીઓને કોઈ પણ ભોગે પ્રવેશ નહીં અપાઈ. આહવા સહિત ડાંગ જિલ્લાના મોટા ગામોમાં ભરાતા હાટ/બજારોમાં પણ કોવિડ-19ની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની સાથે બિનજરૂરી લોકટોળા એકત્ર ન થાય તેની તકેદારી રાખવાની સુચના આપતા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ જિલ્લામાં અમલી વિવિધ જાહેરનામાઓ સહિત એપેડેમીક એક્ટ, ડિઝાસ્ટર એક્ટ વિગેરેનો ચુસ્તપણે અમલ કરવાના કાર્યમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.