ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના પડતર પ્રશ્નોની માંગણી ન સ્વીકારતા મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયતની સામે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ડાંગ આરોગ્ય કર્મચારી મહા સંઘ દ્વારા તાલુકા તેમજ જિલ્લામાં કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે તા 17/01/2019 થી 21/01/2019 સુધી જડબેસલાક રાજ્ય વ્યાપી આંદોલન આપી સફળ લડત આપતા સરકારને આપવામાં આવેલ આવેદન પત્રમાં સમાવિષ્ટ પડતર પ્રશ્નોનું તાકીદે ઉભય પક્ષે સમાધાન થયેલું પરંતુ પડતર પ્રશ્નોનું આજદિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આપતા સરકારે કર્મચારી સંઘ સાથે છેતરપીંડી કરી. પરિણામે સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી છે.
આરોગ્ય વિભાગના મુખ્ય પ્રશ્નોમાં, પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ કર્મચારી ગણી ટેક્નિકલ પગાર ધોરણ આપવા બાબત તેમજ ફાર્મસીસ્ટ ટેક્નિકલ કેટર હોઈ હાલના આર.આર.મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબ નો 4200નો ગ્રેડ પે આપવા બાબત. રાજ્ય સેવાની જેમ ત્રી સ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવા બાબત. આરોગ્ય કર્મચારીઓ 0 કિમીએ પી.ટી.એ આપવા બાબત. તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાએ અપગ્રેડ કરવા બાબત વગેરે 13 મુદ્દાઓની માંગણી રાખવામાં આવી હતી.
ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સૌ પ્રથમ રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ ડાંગ આહવા જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે રેલી અને ધરણાં યોજીને સરકાર સમક્ષ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી રહી છે.