- ETV ઈમ્પેક્ટ: ડાંગના સુબીર તાલુકાના પિપલદહાડ ગામે નેટવર્ક સમસ્યા હલ થતાં લોકોમાં ખુશી
- 8 જુલાઈના રોજ ETV ભારતમાં લેખ પ્રસિધ્ધ થયો હતો
- BSNLના કર્મચારીઓએ નેટવર્ક સમસ્યા બાબતે ધ્યાન આપી યાંત્રિક સમસ્યામાં સુધારો કર્યો
ડાંગઃ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નેટવર્ક સમસ્યા નડતી હોવાથી ડીજીટલ સુવિધાઓથી વંચિત રહ્યા છે. લોકોને વારંવાર નેટવર્ક સમસ્યા થતાં આ અંગે 8 જુલાઈ ના રોજ ETV ભારતમાં લેખ પ્રસીધ્ધ થતાં તાત્કાલિક તંત્રએ ધ્યાન આપી નેટવર્ક સમસ્યા હલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાના પિપલદહાડ ગામે આવેલા ભારત સંચાર નિગમ લિમિટેડનું નેટવર્ક વારંવાર ખોરવાઈ જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. આ વિસ્તારમાં એકમાત્ર BSNL નેટવર્કની સુવિધા હોવાથી ઇમરજન્સી સેવાઓ માટે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
પિપલદહાડ ગામે આવેલા આ નેટવર્ક લગભગ 50 થી વધુ ગામડાઓને સાંકળે છે. આ તમામ ગામડાઓમાં નેટવર્ક ખોરવાઈ જતા લોકો સોશિયલ મીડીયા, ઓનલાઇન પ્રક્રિયા તેમજ ઇમરજન્સી સેવાઓથી વંચિત રહ્યા હતા. લોકોની આ નેટવર્ક સમસ્યા બાબતે તેઓએ વારંવાર ફરિયાદો રજુ કરતા કોઇ ધ્યાન આપવામાં આવતું હતું નથી. જે બાબત ETVને ધ્યાને આવતા લોકોની સમસ્યા બાબતે 8 જુલાઈના રોજ સમાચાર પ્રસારીત કરવામાં આવ્યા હતા.
જે સમાચાર પ્રસિધ્ધ થતાં તાત્કાલિક BSNL ના કર્મચારીઓ દ્વારા નેટવર્ક સમસ્યા બાબતે ધ્યાન આપી યાંત્રિક સમસ્યામાં સુધારો કર્યો હતો. આ અંગે ખેરિદ્રા ગામના યુવા આગેવાન સંજયભાઇ પવારે જણાવ્યું હતું કે, ETV ભારતમાં સમાચાર આવ્યા બાદ નેટવર્ક સમસ્યા હલ થઇ છે. છેલ્લા 5-6 દિવસથી નેટવર્ક બાબતે કોઇ સમસ્યા ધ્યાને આવી નથી તેમજ નેટવર્ક સમસ્યા હલ થવાના કારણે હવે લોકો ઓનલાઇન કામો તેમજ ઇમરજન્સી સેવાઓ વગેરે સહેલાઇથી કરી શકે છે. નેટવર્ક સમસ્યા હોવાના કારણે લોકોને 30 કી.મી દુર આહવા જવુ પડતું હતું પણ હવે સમસ્યા હલ થવાની કારણે લોકો ધર બેઠા જ દરેક કામો કરી શકે છે.