ચેરમેન વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયાએ ડાંગના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રયાસથી પ્રવાસન ક્ષેત્રનો સુંદર વિકાસ થયો છે. સાપુતારામાં ધણા બધા વિકાસના કામો ચાલી રહ્યા છે. સમિતિના સભ્યો સાથે અમે બધા સ્થળોની મુલાકાત લીધી છે. ખાતરી સમિતિ દ્વારા અમે ચકાસણી અને પ્રવાસ કર્યો છે. સરકારની પ્રવાસન સ્થળોની કામગીરીથી સમિતિ સંતોષ વ્યક્ત કરે છે.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વધઈ તાલુકાના બોટાનિકલ ગાર્ડન ખાતે તારીખ 14 નવેમ્બરના રોજ સમિતિનું આગમન થતા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ આવકારી સ્વાગત કર્યું હતું, ત્યારબાદ અંબિકા નદી ઉપર આવેલા ગીરાધોધ ખાતે સહેલાણીઓ માટે થયેલા વિકાસના કામો નિહાળ્યા હતાં.
ગીરીમથક સાપુતારા ખાતે સરકાર દ્વારા ચાલતા પ્રવાસન પ્રોજેક્ટ સનસેટ, તળાવ, પે એન્ડ યુઝ ટોઈલેટ, ગવર્નર હિલ અને તોરણ હોટલની પણ મુલાકાત લીધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા ડાંગની પારંપારિક સંસ્કૃતિ એવા ડાંગી નૃત્યો નિહાળી સમિતિના સભ્યો પ્રભાવિત થયા હતાં.
દંડકારણ્યની ભૂમિ એવા ડાંગના શબરીધામ ખાતે સમિતિના સભ્યોએ શબરીધામના દર્શન કર્યા હતાં. શબરીધામ ખાતે સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામો નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વન વિભાગ દ્વારા પ્રવાસ ક્ષેત્રે વિકાસના સહિયારા પ્રયાસને સમિતિએ બિરદાવ્યો હતો.