ડાંગઃ જિલ્લામાં ખરીફ પાક ડાંગરનું વાવેતર મોટા પાયે કરવામાં આવે છે, તેમજ જિલ્લામાં પાણીની સગવડ ધરાવતા અમુક ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરનું વાવેતર કરે છે. જેમને ઘણીવાર ડાંગરના પાકમાં "કરમોડી" રોગનો સામનો કરવો પડે છે.
ડાંગરના પાકમાં આવતા કરમોડીના રોગ માટે આમ તો બીજા ઘણા પરિબળો જવાબદાર છે, પરંતુ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ, ઝાકળ અને લગભગ 25-28 તાપમાન આવશ્યક છે. હાલમાં વાતાવરણમાં બદલાવ થતા વાદળછાયું વાતાવરણ અને ઝાકળવાળા વાતાવરણને કારણે જિલ્લામાં આ રોગની શરૂવાત થઇ ચુકી છે. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈના ડૉ. જી. જી. ચૌહાણની અધ્યક્ષતામાં ગોઠવાયેલા ડાયગ્નોસ્ટીક વિઝીટમાં કૃષિ મહાવિદ્યાલય વઘઈના સહ પ્રાદ્યાપક ડૉ. પુષ્પેન્દ્રસિંગ,વઘઈના વૈજ્ઞાનિક બી. એમ. વહુનીયા દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.
જેમાં ડાંગ જિલ્લામાં નડદખાદી, ગીરા દાબદર, કુડકસ અને બીજા વિસ્તારોમાં આ રોગ ભારે માત્રામાં જોવા મળ્યો છે. જે ડાંગરના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. "કરમોડી"નો રોગ ડાંગરના પાન ઉપર જોવા મળે છે. શરૂઆતમાં પાન પર નાના ઘાટ્ટા અથવા આછા બદામી ટપકાં જોવા મળે છે. જે મોટા થતાં ત્રાક આકારના બન્ને બાજુ અણીવાળા, 1 સે.મી. લંબાઈના અને તપખીરિયા રંગના તેમજ વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવા ટપકાં જોવા મળે છે. જેથી પાન ચીમળાઈને સુકાઈ જાય છે જેથી છોડનો વિકાસ અટકે છે.
પાન સિવાય ગાંઠનો કરમોડી અને કંઠીનો કરમોડી પણ આવે છે. હાલની અવસ્થાએ કંઠીનો કરમોડી પુષ્કળ માત્રામાં જોવા મળે છે. કંઠીના કરમોડીમાં છોડની કંઠીનો પહેલા સાંધાનો ભાગ ફૂગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગના થઇ જાય છે. તેમજ કંઠીની બીજી શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થાય છે. જેથી દાણાને પોષણ મળતું નથી. કેટલીક વાર રોગ ગ્રાહ્ય જાતોમાં આ રોગથી 90% સુધીની નુકસાન નોંધાયેલું છે. આ રોગના શરૂઆતના નિવારણ માટે સુડોમોનાસ 60 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી પાન પલળે એવી રીતે છંટકાવ કરવો જોઈએ. પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુક્ત ખાતર વાપરવા નહી. પાકમાં વધુ માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈનો સંપર્ક સાધવા પણ જણાવાયું છે.