ડાંગઃ છેવાડાના સરહદી ડાંગ જિલ્લાના વર્ષો જુના અંતરિયાળ માર્ગોના શ્રેણીબદ્ધ ખાતમુહૂર્ત કરતા ગણપત વસાવાએ સ્થાનિક જનપ્રતિનિધીઓની જાગરૂકતાને કારણે રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના વન વિસ્તારના 31 જેટલા માર્ગોના નવિનિકરણ માટે રૂપિયા 30 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે, ત્યારે આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વધુ રૂપિયા 10 કરોડની રાશિ ડાંગ જિલ્લાને મળશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.
વિકાસને વરેલી રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ડાંગના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અમલી બનાવાઈ રહ્યા છે તેમ જણાવી ગણપતસિંહ વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડાંગને વિકાસને પંથે લઈ જઈ રહી છે, ત્યારે સૌના સાથ-સૌના વિકાસના સરકારના અભિગમને સાર્થક કરવાનું સૌને આહવાન કર્યું હતું.
"કોવિડ-19"ના નિયત પ્રોટોકોલ અનુસાર આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ વિજય પટેલે સ્થાનિક ડાંગી બોલીમાં રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમનો ખ્યાલ આપ્યો હતો.
ડાંગ જિલ્લાના ભવાનદગડ, બોરખલ, લિંગા, અને ગલકુંડ ખાતે યોજાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બીબીબેન ચૌધરી, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલ, માજી મંત્રી કરશનભાઇ પટેલ, માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો બાબુરાવ ચોર્યા, અશોકભાઇ ધોરાજીયા, રમેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ પટેલ, રમેશભાઈ ગાંગુરડે, ગીરીશભાઈ મોદી, દશરથભાઈ પવાર, કિશોરભાઈ ગાવીત, પાંડુભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ ડાંગના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ડાંગી પ્રજાજનોના આસ્થા કેન્દ્રો એવા "નરડાના દેવ" તથા "અર્ધ નરનારેશ્વર ધામ (તુલસીગઢ) બીલમાળ"ની મુલાકાત લઈ ઉપયોગી જાણકારી મેળવી હતી.
આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વસાવા, માહિતી વિભાગની ટીમ વગેરે ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
અંતરિયાળ વિસ્તારની પ્રધાનની આ મુલાકાતના ગામો ભવાનદગડ, બોરખલ, લિંગા, ગલકુંડ વિગેરે સ્થળોએ માહિતી વિભાગ દ્વારા યોજનાકીય સાહિત્યનું પણ વિતરણ કરાયું હતું.
ગણપત વસાવાના હસ્તે જે માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું છે, તેમાં ભવાનદગડ-વડથલ રોડ, ચિકટિયા-કમલપાણી, પીમ્પરી-ભવાનદગડ, બોરખલ-લિંગા, બોરખલ-હોલબારી, ચૌક્યા-લિંગા અને ગલકુંડ-કાંચનઘાટ માર્ગનો સમાવેશ થાય છે.