ડાંગ જિલ્લામાં આશરે 98 ટકા વસ્તી આદિવાસી લોકોની છે. આદિવાસી લોકોની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ધાન્યને જમીનમાં વાવતા પહેલાં તેની ઘરમાં, વડીલ વ્યક્તિ દ્વારા પૂજા કરવામાં આવે છે. જે ધાન્યની વાવણી કરવી હોય એ દરેક ધાન્યને એક વાટકીમાં થોડા-થોડા ભેગા કરીને ઘરના વડીલ વ્યક્તિ દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. સારો વરસાદ પડે અને ઘરનું ધાન્ય જમીનમાં સારું પાકે તે માટેની નાની પૂજા કરવામાં આવે છે.
દરેક ઘરમાં વાવણી કરતાં પહેલાં ધાન્યની પૂજા કરવામાં આવે છે. અહીંના લોકો પોતાની ભાષામાં તેને બી બાટવવું એમ કહે છે. બોન્ડરમાળ ગામનો ખેડૂત જાન્યાભાઈ પવાર જણાવે છે, કે તેઓ અનાજને દેવ તરીકે માનતા હોવાથી તેઓ અનાજ દેવતાની પૂજા કરે છે. અનાજ દેવને જમીનમાં નાખતા પહેલાં વિચાર કરીને તેની વાવણી કરે છે, તેમને ખેતીમાં સારો લાભ મળે તેની આશા સાથે તેઓ વાવણી કરતાં હોય છે. કારણ તેઓ ફક્ત ખેતી આધારિત જીવન ગુજારે છે. તેઓ મુખ્યત્વે નાગલી, વરી, ખરશાની, અડદ, મકાઈ, તુવેર, અને ડાંગરની ખેતી કરતાં હોય છે. ડાંગ જિલ્લાના ખેડૂતો ફક્ત વરસાદ આધારિત ખેતી પર જ ખેતી કરતાં હોવાથી પાકના સારા લાભ માટે પૂજા કર્યા બાદ વાવણીની શરૂઆત કરે છે.ખેતીલાયક વરસાદ વર્ષતા જ ઠેરઠેર ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી હતી. અહીં બળદ, અને પાડાને ખેતીના કામમાં ઉપયોગમાં લેવાય છે. ઢોળાવવાળી જમીન હોઈ નાગલીની ખેતી સારી એવી થાય છે. જે દેશભરમાં પ્રખ્યાત છે. નાગલીના પાપડ, બિસ્કીટ વગેરે ખૂબ જ પ્રખ્યાત છે.