ડાંગ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા હવે ખેડૂતો ડાંગરના પાકની રોપણી કામમાં લાગી ગયા છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મોટાભાગના ખેડૂતો ડાંગરના પાકની ખેતી કરતા હોય છે. સાથે અહીં ભૌગોલિક દ્રષ્ટિએ પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી નાગલીના પાકની પણ મોટાપાયે ખેતી કરવામાં આવે છે. ચાલુ થયેલા સાર્વત્રિક વરસાદના કારણે નદીઓમાં પણ પાણીની આવક જોવા મળે છે.
ડાંગમાં જૂન મહિના દરમિયાન ભારે વરસાદ ચાલુ થતાં ખેડૂતોએ ડાંગર, મગફળી જેવા પાકોની વાવણી કરી હતી. ત્યારબાદ વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ડાંગરના પાકનાં ધરૂ હવે રોપણી માટે તૈયાર થઈ ગયા છે. ડાંગમાં વરસાદ આધારીત ખેતી પર નિર્ભર ખેડૂતોને હવે નવી આશા જાગી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા ડાંગની નદીઓમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. આજરોજ આહવા, વઘઇ, સુબિર અને સાપુતારા સહિતના તમામ વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ જોવા મળ્યો હતો.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 13 mm, વઘઇમાં 27 mm, સુબિરમાં 7 mm, નોટિફાઇડ એરિયા સાપુતારામાં 17 mm વરસાદ નોંધાયો હતો.