ડાંગઃ જિલ્લાના પાંચ રાજાઓનો ઇતિહાસ અનોખો રહ્યો છે. આ રાજાઓને અંગ્રેજો સમયથી સાલીયાણું આપવામાં આવે છે અને આ પ્રથા આજે પણ જોવા મળે છે. રજવાડાઓનું ભારત ગણરાજ્ય થયા બાદ પણ ડાંગને અલગ દરજ્જો મળ્યો છે.
ડાંગના જંગલો સાગના કીમતી લાકડાંથી ભરચક છે. આ જંગલ જ ડાંગી રાજાઓની સંપત્તિ ગણાતી હતી. અંગ્રેજોની જેમ જ આજે પણ સરકાર ડાંગના સાગી લાકડાંઓનું જંગલ કાપીને વેંચે છે. જેના બદલામાં રાજાઓને સરકાર તરફથી પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. પરતું સરકાર દ્વારા રાજાઓને આપવામાં આવતું પેન્શન મજાક સમાન બની ગયું છે. રાજાઓની હાલની પરિસ્થિતી જોવા જઈએ તો પ્રજા કરતા પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે.
લિંગાના રાજા શ્રી છત્રસિંગ ભંવરસિંગ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, ડાંગમાં કુલ 5 રાજા, 9 નાયકો, 14 ભાગીદારો અને 868 જેટલાં તેમના ભાઈબંધો છે. ત્યારે રાજાઓને દર મહિને આપવામાં આવતું આ પોલિટિકલ પેંશન મજાક સમાન લાગી રહ્યું છે. સરકાર ચા અને બીડીના પૈસા આપી રહી છે.
આ અંગે તાજેતરમાં જ લિંગા રાજવી શ્રી સહિત અન્ય રાજાઓ દ્વારા ડાંગ કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાંગ દરબારમાં રાજાઓને માત્ર પાનબીડીનાં રૂપિયા 10 આપીને સન્માનવામાં આવે છે. જ્યારે તમામ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક જવાબદારી કલેક્ટરને સોંપવામાં આવી છે. તેમજ પોલિટિકલ પેન્શન ઠરાવમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગાડલા( બળદગાડું )ની વ્યવસ્થા સંદર્ભે પણ જણાવવામાં આવી છે. જે હાલના આધુનિક યુગમાં સંભવિત ના હોવાથી અમોને હાલના વર્ષે તમામ રાજવીઓને મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી આપવા તેમજ ડાંગ દરબારના કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલના હસ્તે ગાડીની ચાવી આપી સન્માનીત કરવા વિનંતી. આ ઉપરાંત ડાંગમાં ચાલતી કારબારી અને પાટીલકી પ્રથાને પુનઃ ચાલુ કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી. ડાંગમાં કુલ 312 પાટીલ અને 313 કારબારી છે.
ડાંગ કલેક્ટર દ્વારા રાજાઓની આ અરજીને અમાન્ય ગણીને તેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે રાજાઓનું કહેવું છે કે, પોતે રાજા હોવાથી નોકરી કરી શકતા નથી. કારણ સમાજમાં તેઓનો મોભો ઓછો થાય અને જે દર મહિને જે પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે તેનાથી તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. કારણ પરીવારની સંખ્યા મોટી છે અને પેન્શનને દરેક કુટુંબી જનોમાં વહેંચતા તેઓને માંડ પૈસા મળે છે.
રાજાઓને વાર્ષિક ચૂકવવામાં આવતું પેન્શન...
- કરણસિંહ યશવંતરાવ પવાર- ગાઢવી રાજ- 1,29,898 ( મહિને રૂ.10,574 )
- છત્રસિંહ ભંવરસિંહ સૂર્યવંશી - લિંગા રાજ- 95,816 ( મહિને રૂ.7,984 )
- ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી - વાસુર્ણ રાજ- 77,739 ( મહિને 6,478 )
- તપતરાવ આનંદરાવ પવાર - દહેર રાજ- 86,391 ( મહિને રૂ.7,199 )
- ત્રિમકરાવ સાહેબરાવ પવાર - પિંપરી રાજ- 1,04,316 ( મહિને રૂ. 8,693 )
ડાંગના રાજાઓનું સન્માન એક દિવસ પૂરતું જ છે. કારણ કે, આ રાજાઓ ડાંગની અન્ય પ્રજા સમાન સામાન્ય જીવન જીવે છે. વરસાદ આધારિત ખેતી કરીને પોતાના કુટુંબનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે. મોટાભાગે રાજાઓના ઘર વાંસમાંથી બનાવેલા છે. ત્યારે રાજાઓનું કહેવું છે કે, તેઓને 12 મહિનાં કપરી પરિસ્થિતિ વેઠીને એક દિવસના રાજા તરીકે સન્માનિત કરવામાં આવે છે. અમારા કરતાં તો પટ્ટાવાળાનો પગાર વધારે છે.
ત્યારે આ રાજાઓની માંગ છે કે, સરકાર તેમનાં જંગલ પટ્ટાના કિંમતી સાગી લાકડાંઓનાં બદલામાં જે પેન્શન આપે છે તે વધારવામાં આવે. સરકાર કરોડો રૂપિયાના લાકડા બદલ જીવન નિર્વાહ કરવા મુશ્કેલ થાય એટલાં પૈસા આપીને રાજાઓનું અપમાન કરી રહી છે. પીંપરીના રાજા શ્રીનું કહેવું છે કે, સરકારને પોલિટિકલ પેન્શન વધારવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.