દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ વરસતા પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ભારે વરસાદના કારણે એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતા 300 બાળકો ફસાયા હતા, જેથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 300 બાળકોનું સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ ડાંગ જિલ્લામાં તમામ શાળાઓને બંધ રાખવામાં આવી છે. જ્યારે અમુક પ્રાથમીક શાળાઓમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે. જેથી આજે દરેક શાળાઓમાં તાળાં લાગેલાં નજરે ચડ્યાં હતા.